અરવલ્લીની ગિરિમાળાઓમાં ઉનાળાની શરૂઆત એટલે કેસુડાના ફૂલોનો રંગીન ઉત્સવ!

અરવલ્લીની ગિરિમાળાઓમાં ઉનાળાની શરૂઆત એટલે કેસુડાના ફૂલોનો રંગીન ઉત્સવ!
અરવલ્લી પર્વતમાળાના ઢોળાવો અને જંગલો હવે કેસરી-લાલ રંગથી રંગાઈ ગયા છે. ઉનાળાની આગમન સાથે જ કેસુડા (ખાખરા)ના વૃક્ષો પર ખીલી ઉઠેલા આ તેજસ્વી ફૂલો એવું દૃશ્ય રચે છે જાણે આખા ડુંગરને શણગારી દીધા હોય! દૂરથી જોતાં તો લાગે કે પર્વતોમાં આગ ભભૂકી ઉઠી છે, પણ આ ‘આગ’ કુદરતની અદ્ભુત કલા છે –
ગુજરાતના સાબરકાંઠા વિજયનગર,અંબાજી, ઈડર, પંચમહાલ અને અરવલ્લી વિસ્તારના આદિવાસી બેલ્ટમાં આ સમયે કેસુડાના ફૂલોની ખુશબુ અને રંગ બધું જ જીવંત બનાવી દે છે. આ ફૂલો માત્ર સૌંદર્ય જ નથી વધારતા, પરંતુ હોળી-ધૂળેટીના તહેવારમાં કુદરતી રંગ તરીકે પણ વપરાય છે. આદિવાસી સંસ્કૃતિમાં કેસુડાને પવિત્ર માનવામાં આવે છે અને તેના ફૂલો, પાંદડાં તથા છાલનો આયુર્વેદમાં પણ વ્યાપક ઉપયોગ થાય છે – ચામડીના રોગો, બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં અસરકારક ઔષધિ તરીકે.
કુદરતનો આ અદ્ભુત રંગોત્સવ જોવા માટે અરવલ્લીના આ વિસ્તારોમાં હવે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકોની ભીડ જોવા મળી રહી છે. જો તમે પણ આ ‘ડુંગર શણગાર’નો આનંદ માણવા માંગતા હો તો ઉનાળાના આરંભમાં અહીંની સફર ચોક્કસ યોજો – કેમ કે કેસુડાના ફૂલોની આ લાલ-કેસરી ચાદર થોડા જ સમયમાં વિલીન થઈ જશે!
અહેવાલ જયંતિ પરમાર સાબરકાંઠા





