
બોર્ડની પરીક્ષા વચ્ચે ડેડિયાપાડામાં રાજકીય વરઘોડો કાઢનાર નાયબ મુખ્યમંત્રીને વિદ્યાર્થીઓની ચિંતા નથી : ચૈતર વસાવા
તાહિર મેમણ – 27/02/2026 – ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026–27નું અંદાજપત્ર રજૂ થયા બાદ તેના પર ચર્ચાનો બીજો દિવસ છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાનો આ મહત્વનો દિવસ છે. બીજી તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દ્વારા ડેડિયાપાડામાં પરીક્ષા કેન્દ્રોની નજીક મોટા વરઘોડો કાઢ્યો. જો આ મંત્રીઓને વિદ્યાર્થીઓની ચિંતા હોત તો વરઘોડો ન કાઢત. છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં તેમની સરકાર છે. જો યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આજે વરઘોડો કાઢવાની જરૂર ન પડતી. નવેમ્બરમાં નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવ્યા બાદ તરત જ કાર્યક્રમો યોજવાની જરૂર શા માટે પડી, તે પ્રશ્ન તેમણે ઉઠાવ્યો. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે ગૃહનો મહત્વનો દિવસ હોવા છતાં આદિજાતિ વિસ્તારના મંત્રીઓ અને ધારાસભ્યો ત્યાં ચૈતર વસાવા વિશે ટીકા-ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મનસુખ વસાવાના વખાણ કરવામાં આવે છે, પરંતુ પોતાના ગામ સુધીનો રસ્તો પણ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, જેના મુદ્દે મારે યાત્રા કાઢવી પડી અને ગૃહમાં પ્રશ્ન ઉઠાવવો પડ્યો.




