સોલા સિવિલ હોસ્પિટલથી રાજ્યવ્યાપી નિઃશુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, અંદાજિત 5.50 લાખ કિશોરીઓને મળશે સર્વાઇકલ કેન્સરથી રક્ષણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યમાં સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિઃશુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરી રહી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી રાજ્યવ્યાપી અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કર્યો હતો, જેના અનુસંધાનમાં ગુજરાતમાં પણ એકસાથે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને પ્રતિકાત્મક રીતે રસી અપાઈ હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત વર્ષ 2007થી પોલિયો મુક્ત રાજ્ય તરીકે ઓળખાય છે અને હવે રસીકરણ વ્યવસ્થા વધુ મજબૂત અને આધુનિક બની છે. અગાઉ અનેક રસી વિદેશથી આયાત કરવી પડતી હતી, પરંતુ આજે ભારત સ્વદેશી ટેકનોલોજી દ્વારા રસી બનાવવામાં આત્મનિર્ભર બન્યું છે. આ પહેલ ‘આત્મનિર્ભર ભારત’ના દિશાસૂચક પગલાં પૈકી એક છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારની પ્રાથમિકતા છે કે કોઈપણ નાગરિક દવા કે સારવારના અભાવે જીવ ગુમાવવો ન પડે. આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર મર્યાદા રૂ. 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે, જેથી ગરીબ અને મધ્યમવર્ગને આરોગ્યસેવાઓ સરળતાથી મળી રહે. HPV રસી અંગે અફવાઓથી દૂર રહેવા અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ રસી વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયેલ અને સુરક્ષિત છે.
ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે રૂ. 240 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. હવે આ કાર્યક્રમમાં HPV રસીનો સમાવેશ કરાયો છે. બજારમાં એક ડોઝની કિંમત અંદાજે રૂ. 3000 જેટલી હોય છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. 150 કરોડ ફાળવીને આ રસી સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત 14 વર્ષ પૂર્ણ કરેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી રાજ્યની અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવાનો લક્ષ્ય નક્કી કરાયો છે. ભારતમાં મહિલાઓમાં નોંધાતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા સ્થાને છે, જેમાં HPV-16 અને HPV-18 વાયરસ મુખ્ય કારણરૂપ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્વાડ્રિવેલેન્ટ HPV વેક્સિન રાજ્યભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
અભિયાનને સુચારુ બનાવવા 2297 તાલીમબદ્ધ રસીકરણ ટીમો અને એટલા જ કોલ્ડ ચેઇન પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. રસીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે +2°C થી +8°C તાપમાનમાં સંગ્રહ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. TeCHO+ અને SAFE-VAC પોર્ટલ મારફતે રસીકરણની રિયલ-ટાઈમ નોંધણી અને ટ્રેકિંગ પણ કરવામાં આવશે.
સરકાર દ્વારા “સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ”ના મંત્ર સાથે તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની 14 વર્ષની દીકરીઓને રસી અપાવી તેમના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરે.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપ્નો, મુખ્યમંત્રીના સચિવ ડો. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ તેમજ આરોગ્ય વિભાગ અને સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.









