AHAVADANGGUJARAT

મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી–ખેરગામ તાલુકામાં રૂ.૧૨.૨૫ કરોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

માર્ગ, પંચાયત ભવન અને આંગણવાડીથી ગ્રામ્ય માળખાકીય વિકાસને મજબૂતી **

**”આધારભૂત માળખાંનું સશક્તિકરણ ગામના આર્થિક અને સામાજિક વિકાસનું મૂળ છે.“ –  આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ****

આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં કુલ રૂ. ૧૨.૨૫ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ–ડાંગના સાંસદ ધવલ પટેલ પ્રેરક ઉપસ્થિતિ સાથે કાર્યક્રમમાં જોડાયા હતા.ચીખલી તાલુકાના ઘોડવણી, સતાડીયા, ધોલાર, બામણવાડા, ખંભાડા, બામણવેલ અને હરણગામ તેમજ ખેરગામ તાલુકાના નડગધરી ગામે વિવિધ કામોનું ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું.આ પ્રસંગે  ગ્રામજનોને  સંબોધતા મંત્રીશ્રી નરેશભાઈ પટેલે  જણાવ્યું હતું કે, ગામડાંના વિકાસ માટે મજબૂત માર્ગવ્યવસ્થા અને  સુવિધાસભર પંચાયત ભવન  અનિવાર્ય છે. આવા આધારભૂત માળખાં ગામના આર્થિક અને સામાજિક પ્રગતિના પાયા સમાન છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું   કે માર્ગોના નિર્માણ અને રિસરફેસિંગથી ગ્રામજનોની આવન-જાવન સરળ બનશે, તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી જરૂરી સેવાઓ સુધી પહોંચ ઝડપી અને સુલભ બનશે. નવા પંચાયત ભવનો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ સક્રિય બનાવશે, જેના કારણે શાસકીય સેવાઓ પારદર્શક અને કાર્યક્ષમ રીતે લોકો સુધી પહોંચી શકશે.

            રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પાદનને નુકસાનથી બચાવવા તથા તાત્કાલિક સેવાઓ સમયસર ઉપલબ્ધ બને તે માટે ટકાઉ અને મજબૂત માર્ગો નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે. આ યોજનાઓ આવનારા સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે.વિકાસ કાર્યોના ખર્ચની વિગત મુજબ ખેરગામ તાલુકાના નડગધરી ગામે રૂ. ૨૩૦.૨૫ લાખ, ચીખલી તાલુકાના ઘોડવણી ગામે રૂ. ૪૬.૧૩ લાખ, સતાડીયા ગામે રૂ. ૨૭૫ લાખ, ધોલાર ગામે રૂ. ૨૫.૦૦ લાખ, બામણવાડા ગામે રૂ. ૫૯.૧૩ લાખ, ખંભાડા ગામે રૂ. ૯૪.૫૦ લાખ, બામણવેલ ગામે રૂ. ૯૪.૫૦ લાખ, હરણ ગામે રૂ. ૫૧.૨૫ લાખ, કુકરી ગામે રૂ. ૨૩૭.૦૦ લાખ અને કાંગવાઈ ગામે રૂ. ૧૦૮.૦૦ લાખના વિકાસ કાર્યો વિવિધ યોજનાઓ હેઠળ હાથ ધરાયા છે. કુલ મળીને રૂ. ૧૨.૨૫ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

          આ કામોમાં મુખ્યત્વે રોડ રિસરફેસિંગ, માઈનોર બ્રેકના કામો , આંગણવાડી નિર્માણ તથા ગ્રામ પંચાયત ભવનના બાંધકામનો સમાવેશ થાય છે.

            કાર્યક્રમમાં ચીખલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!