
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુરના નવાગામમાં તળાવમાં ડૂબી જતાં બે બાળકોના કરુણ મોત – ધુળેટી પર્વના દિવસે દુઃખદ ઘટના બની
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવાગામમાં ધુળેટી પર્વના દિવસે દુઃખદ ઘટના બની હતી. તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકો ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું માહોલ છવાઈ ગયો છે
મળતી માહિતી મુજબ નવાગામના નવા જાંબુ ફળી વિસ્તારમાં રહેતા રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે તરૂણો ધુળેટી રમ્યા બાદ નજીકના તળાવમાં ન્હાવા માટે ગયા હતા. બંને બાળકો અનુક્રમે ધોરણ 5 અને ધોરણ 6માં અભ્યાસ કરતા હતા. ન્હાવા દરમિયાન અચાનક પાણીના ઊંડાણમાં જતા બંને ડૂબી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે
ઘટનાની જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક તળાવ કિનારે દોડી આવ્યા હતા. બાદમાં મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ તળાવમાંથી બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.માહિતી મળતાં માલપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે.ધુળેટી જેવા આનંદના પર્વે બનેલી આ કરુણ ઘટનાએ નવાગામ સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.






