BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન

સમીર પટેલ, ભરૂચ

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેના અનુસંધાને ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ ચૂંટણી માટે ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ ત્રણ એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે. આજે યોજાઈ રહેલી મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના કુલ ૧૦૩૨ જેટલા વકીલ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોને મત આપશે. મતદાન માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સવારે શરૂ થયેલ મતદાન પ્રક્રિયા દરમિયાન વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણી દ્વારા આગામી પાંચ વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની નવી કમિટીની રચના કરવામાં આવશે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ ૧૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૯૯ એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મતગણતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!