આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાતા મહિલાઓનું સન્માન, અંગદાનને ‘મહાદાન’ ગણાવી જાગૃતિનો સંદેશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને અંગદાતા મહિલાઓને બિરદાવવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા AMA ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને જાણીતી ગાયિકા કિંજલ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
“She gave life beyond life” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવામાં આવ્યું હતું, જેમણે અંગદાનનો નિઃસ્વાર્થ નિર્ણય લઈને અનેક પરિવારોને નવજીવન આપ્યું છે. કાર્યક્રમ દરમિયાન અંગદાતા મહિલાઓ અને તેમના પરિવારજનોને મંચ પર આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મંત્રી રિવાબા જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાચો વારસો ભૌતિક સંપત્તિ કે બેંક બેલેન્સથી નહીં, પરંતુ આવનારી પેઢીઓને આપવામાં આવેલા સંસ્કાર, સદગુણો અને માનવતાના મૂલ્યો દ્વારા રચાય છે. મહિલાઓ સમાજમાં સંવેદના, સેવા અને સમર્પણની પ્રતિક છે. અંગદાન જેવી માનવતાવાદી પહેલ દ્વારા એક જીવનનો અંત અનેક જીવનોમાં નવી આશા અને પ્રકાશ પ્રગટાવે છે, તેથી અંગદાનને સાચા અર્થમાં ‘મહાદાન’ કહી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં અંગદાન અંગે હજુ પણ અનેક ગેરસમજો અને અફવાઓ જોવા મળે છે, જેને દૂર કરવા માટે વ્યાપક જાગૃતિ જરૂરી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા સેવા સેતુ જેવા કાર્યક્રમો અને વિવિધ આરોગ્ય અભિયાનો દ્વારા કલ્યાણકારી યોજનાઓ તથા આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આવા માનવતાવાદી કાર્યમાં સમાજના દરેક વર્ગે સહભાગી થવું જોઈએ.
ગાયિકા કિંજલ દવેએ પણ કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સંગીતના માધ્યમથી લોકોનું મનોરંજન કરવું તેમનો વ્યવસાય છે, પરંતુ સમાજ માટે કંઈક સકારાત્મક કરવાની તક મળે ત્યારે સાચો સંતોષ મળે છે. અંગદાન અંગે જાગૃતિ ફેલાવવી અને વધુને વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરવું આજના સમયમાં અત્યંત જરૂરી છે.
કાર્યક્રમમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખે પોતાનો વ્યક્તિગત અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2020માં થયેલા અંગ પ્રત્યારોપણના કારણે તેમને નવું જીવન મળ્યું હતું. તેમણે જણાવ્યું કે એક દાતાની મહાનતા અને પરિવારના નિઃસ્વાર્થ નિર્ણયથી અનેક લોકોનું જીવન બચી શકે છે. તેથી સમાજમાં અંગદાન અંગે જાગૃતિ વધારવી સમયની માંગ છે.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય નિષ્ણાતો દ્વારા અંગદાન પ્રક્રિયા, તેના કાનૂની પાસાઓ અને સમાજમાં તેની જરૂરિયાત અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને અંગદાન માટે પ્રતિબદ્ધ થવા અને આ માનવતાવાદી અભિયાનમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અંગદાતા મહિલાઓ, તેમના પરિવારજનો, નાગરિકો તેમજ શેલ્બી હોસ્પિટલ્સનો તબીબી અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં સેવા, સંવેદના અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.












