
રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ મહિલા ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ૮મી માર્ચના રોજ વિશ્વ મહિલા ગૌરવ દિવસની રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ધાબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજપીપળા ટાઉન પી.આઈ. એસ.કે. ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં DLSS તથા એકેડેમીની બાળાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણને કેન્દ્રમાં રાખી સુંદર ફેશન શો અને સાંસ્કૃતિક લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું. ઉપરાંત મહિલાઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે રાજેન્દ્રભાઈ રાઠોડ દ્વારા કરાટે તાલીમનું પ્રદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં મેડલ મેળવી નર્મદા જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધારનાર ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન પર આધારિત અને તેમના જીવનસંઘર્ષ તથા યાદગાર પ્રસંગોને રજૂ કરતી લેખક ગિરીશભાઈ શર્મા દ્વારા લખાયેલ “સ્વર્ણ દિન” પુસ્તક ભેટરૂપે અર્પણ કરીને તમામ ખેલાડીઓ અને મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ દ્વારા મહિલા દિવસનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું. સાથે જ આધુનિક યુગમાં સ્ત્રી સશક્તિકરણ, પુરુષ સમોવડી તકો, નોકરીમાં ૩૩ ટકા અનામત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦ ટકા અનામત તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નવદુર્ગા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રીનાબેન પંડ્યા, સેવીબેન દિનેશભાઈ (તિરંદાજ), ટી.પી.ઓ. પ્રેમલબેન સહિત મહાનુભાવો અને રમત વિકાસ કચેરીના તમામ કોચ તથા સ્ટાફ અને DLSSના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતુ




