ARAVALLIMODASA

અરવલ્લી–સાબરકાંઠામાં છેલ્લા બે વર્ષમાં ૩૧ બાળકો હજુ પણ લાપતા: વિધાનસભામાં ખુલાસા બાદ કોંગ્રેસનો સરકાર પર આકરો પ્રહાર 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી–સાબરકાંઠામાં છેલ્લા બે વર્ષમાં ૩૧ બાળકો હજુ પણ લાપતા: વિધાનસભામાં ખુલાસા બાદ કોંગ્રેસનો સરકાર પર આકરો પ્રહાર

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બાળકો ગુમ થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેને લઈને કોંગ્રેસે રાજ્ય સરકારની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના ૧૫ બાળકો અને અરવલ્લી જિલ્લાના ૧૬ બાળકો મળી કુલ ૩૧ બાળકો હજુ સુધી શોધી શકાયા નથી. આ બાબતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ખેડભ્રહ્મા ના ધારાસભ્ય ડો. તુષારભાઈ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દરેક ગુમ થયેલું બાળક પરિવાર માટે અસહ્ય પીડા અને અસુરક્ષાની લાગણી જન્માવે છે. રાજ્ય સરકાર સુરક્ષાના મોટા દાવા કરે છે, પરંતુ જમીની હકીકત આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવી રહ્યા છે. ગુમ થયેલા બાળકોને શોધવા માટે સરકારે વધુ સક્રિય અને અસરકારક કામગીરી કરવી અનિવાર્ય છે.

બીજી તરફ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે આ મામલે સરકાર પાસે કડક પગલાંની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધવા માટે તાત્કાલિક ધોરણે ‘સ્પેશિયલ ટાસ્ક ફોર્સ’ (STF)ની રચના કરવી જોઈએ. આ ઉપરાંત, માનવ તસ્કરી (Human Trafficking) જેવા સંગઠિત ગુનાઓની સંભાવનાઓને ધ્યાને રાખી ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને સમગ્ર મામલે જિલ્લાવાર પારદર્શક માહિતી જાહેર કરી નિયમિત સમીક્ષા થવી જરૂરી છે.કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બાળકો અને મહિલાઓની સુરક્ષા એ માત્ર આંકડાનો વિષય નથી, પરંતુ સમગ્ર સમાજની સલામતી સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો છે. જો સરકાર આ બાબતે વહેલી તકે સક્રિય નહીં થાય તે ખૂબ જરૂરી છે.

Back to top button
error: Content is protected !!