INTERNATIONAL

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના લીધે તેલ અને ગેસના બજારમાં હાહાકાર મચી ગયો

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીએ ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરી રહ્યું છે. મંગળવારે આ યુદ્ધનો 11મો દિવસ હતો. ઈરાન એવા દેશોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં અમેરિકી સૈન્ય મથકો આવેલા છે, જેના કારણે આ યુદ્ધ એક બે નહીં પણ 14 દેશોમાં ફેલાઈ ગયું છે. આ યુદ્ધના લીધે તેલ અને ગેસના બજારમાં હાહાકાર મચી ગયો છે. જે કારણે યુદ્ધમાં સીધી રીતે માત્ર 14 દેશો સામેલ છે, પરંતુ તેની ઘાતક અસર વિશ્વના મોટાભાગ  દેશો પર પણ જોવા મળી રહી છે.

આ યુદ્ધની સૌથી મોટી અસર ક્રૂડ(કાચું તેલ)ના બજાર પર પડી છે. સોમવારે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 120 ડોલરની આસપાસ પહોંચી ગઈ હતી. જોકે, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ અંગેની ભવિષ્યવાણી બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં, તેલના ભાવ ગત મહિનાની સરખામણીએ ઊંચા રહ્યા છે. યુદ્ધને કારણે ગેસ પુરવઠો પણ ખોરવાયો છે. ટ્રમ્પે કહ્યું છે કે આ યુદ્ધ જલ્દી પૂરું થશે, પરંતુ આ અઠવાડિયે નહીં. જેનો અર્થ છે કે આ અઠવાડિયા સુધી યુદ્ધ ચાલુ રહેશે.

યુદ્ધ શરૂ થયા બાદ ઈરાન એ દેશો પર હુમલા કરી રહ્યું છે જ્યાં અમેરિકી સૈન્ય ઠેકાણા છે. આ યુદ્ધમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા ઉપરાંત સાયપ્રસ, લેબનોન, ઈરાક, કુવૈત, જોર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), સીરિયા, કતાર અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ઈરાને આ દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. બીજી તરફ, અમેરિકા અને ઈઝરાયેલ એવા દેશો પર હુમલા કરી રહ્યા છે જ્યાં ઈરાનના સહયોગી સંગઠનો સક્રિય છે.

આ યુદ્ધ હવે પશ્ચિમ એશિયાની બહાર પણ નીકળી ગયું છે. અઝરબૈજાને ઈરાન પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે નાકિચિવા વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલામાં તેના બે નાગરિકો ઘાયલ થયા છે, જો કે ઈરાન આવા કોઈ પણ હુમલાનો ઈનકાર કરી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાએ 4 માર્ચે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેની એક સબમરીને હિંદ મહાસાગરમાં ‘દેના’ નામના ઈરાની યુદ્ધજહાજ પર ટોર્પિડોથી હુમલો કરીને તેને ડુબાડી દીધું હતું. આ હુમલો શ્રીલંકાના ગાલે શહેર પાસે સવારે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો, જેમાં 80થી વધુ નૌસૈનિકોના મોત થયા હતા. શ્રીલંકાએ બચાવ કામગીરી હાથ ધરી ઈરાનના અનેક નૌસૈનિકોને બચાવ્યા હતા, જેમની સારવાર શ્રીલંકામાં ચાલી રહી છે. આ સિવાય સાયપ્રસના એક ટાપુ પર આવેલા બ્રિટિશ એરબેઝને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે આ હુમલો લેબનોનમાં સ્થિત હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ યુદ્ધમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનમાં 9 માર્ચ સુધીમાં 1255 લોકોના મોત થયા છે. તેવી જ રીતે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના 8 સૈનિકોના મોત થયા છે, જ્યારે ઈઝરાયલમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય લેબનોનમાં 394, ઈરાકમાં 6, જોર્ડનમાં 14, કુવૈતમાં 6, બહેરીનમાં 1, કતારમાં 16, યુએઈમાં 4, સાઉદી અરેબિયામાં 2 અને ઓમાનમાં 1 વ્યક્તિનું મોત થયું છે.

યુદ્ધના કારણે તેલના ઉત્પાદન અને તેના પરિવહન પર ખૂબ જ માઠી અસર જોવા મળી છે. સોમવારે કાચા તેલની કિંમતો પ્રતિ બેરલ 120 ડોલરની નજીક પહોંચી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રિન્ટ ક્રૂડની કિંમત સવારે ઉછળીને 119.50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. મંગળવારે બપોરે એક વાગ્યા સુધી ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 87 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. આ મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં લગભગ 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઈંધણના ભાવમાં થયેલો વધારો આર્થિક દબાણ લાવે છે, જેનાથી સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોંઘવારી વધે છે. તેલની કિંમતો વધવાને કારણે પરિવહન ખર્ચ વધે છે, વીજળી અને બાંધકામ મોંઘા થાય છે, તેમજ ખોરાક, ઈંધણ અને ગ્રાહકલક્ષી ચીજવસ્તુઓના ભાવ પણ વધી જાય છે. જો , અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વહેલું સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી છે, જેનાથી તેલ બજારમાં થોડી સ્થિરતા જોવા મળી છે.

Back to top button
error: Content is protected !!