
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ધનસુરા – વિકાસ મુદ્દે કોંગ્રસે મામલતદારને આવેદનપત્ર આપ્યું ,સિંચાઈ, બાયપાસ રોડ, જીઆઇડીસી , ફોરલેન રોડ ની કામગીરી શરૂ કરવા માંગ
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાંબા સમયથી પડતર રહેલા વિકાસ પ્રશ્નોને લઈને ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો દ્વારા તાલુકાના વિકાસને લગતા અગત્યના મુદ્દાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી
સરકાર દ્વારા ધનસુરા બાયપાસને મંજૂરી મળ્યાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી કોઈ જ નક્કર કામગીરી શરૂ થઈ નથી. તે સમયે ભાજપના આગેવાનો દ્વારા ઉત્સવ મનાવી મોટા મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં આજે પણ ધનસુરા શહેર ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત છે. કોંગ્રેસે બાયપાસ માર્ગની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ ઉઠાવી હતી.
જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે ધનસુરા તાલુકાના ખેડૂતોને પૂરતી સિંચાઈ સુવિધા મળતી નથી તે ખૂબ જ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વાત્રક, માઝુમ અને સુજલામ-સુફલામ જેવી યોજનાઓ હોવા છતાં તાલુકાના અડધાથી વધુ ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર છે. ખેડૂતોને પૂરતો સિંચાઈ લાભ મળે તે માટે આ યોજનાઓનું કમાન્ડ એરિયા વધારવાની માંગ કરવામાં આવી હતી.આ ઉપરાંત તાલુકાના ઉદ્યોગ વિકાસ માટે ધનસુરા ખાતે GIDC સ્થાપવાની માંગ પણ કરવામાં આવી હતી. સ્થાનિક યુવાનોને રોજગાર માટે અન્ય શહેરોમાં જવું પડે છે, ત્યારે તાલુકામાં ઉદ્યોગો ઉભા થાય અને યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારી મળે તે માટે GIDC જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે મોડાસા–ધનસુરા–નડિયાદ રોડને ફોરલેન બનાવવાની જાહેરાત છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં કામગીરી શરૂ ન થતા સરકારની ઉદાસીનતા પર સવાલ ઉઠાવ્યા હતા. ભારે વાહનવ્યવહાર ધરાવતા આ માર્ગ પર અકસ્માતોની સંભાવના વધતી જતા લોકોમાં ચિંતા વ્યાપી રહી છે, તેથી તાત્કાલિક ફોરલેન રોડની કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો ધનસુરા તાલુકાના આ અગત્યના પ્રશ્નો અંગે તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી રીતે આંદોલન અને ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બુધાભાઈ ખાંટ, યુસુફભાઈ કલાલ, જયદીપસિંહ ખાંટ, મનોજભાઈ રાવલ, બારીન વોરા, અરવિંદભાઈ નાડીયા, અર્પિતભાઈ પટેલ, ફતેસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.





