આણંદ હોટલ બાપુ નો ઓટલો અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે રોસેટા કાફે સીલ કરાયા

આણંદ હોટલ બાપુ નો ઓટલો અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે રોસેટા કાફે સીલ કરાયા
તાહિર મેમણ – આણંદ – 18/03/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા 80 ફૂટના રોડ ઉપર સરદાર બેન્કવેટ હોલ પાસે આવેલ બાપુ નો ઓટલો હોટલ અને સંકેત રોડ ઉપર દેવ શ્રી ગોલ્ડ કોમ્પલેક્ષમાં આવેલ રોસેટા કાફે ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જે તપાસણી દરમિયાન રોસેટા કાફે માર્જિનની જગ્યામાં અનઅધિકૃત દબાણ, ગેરકાયદેસર બાંધકામ કરેલું હોવાથી રોશેટા કાફેને અને જરૂરી પરવાનગીઓ જેવી કે બિન ખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એનઓસી વગર ચાલતી હોટલ બાપુ નો ઓટલો ને આમ બંનેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું.
આ હોટલ બાપુ નો ઓટલો અને રોશેટા કાફેના માલિક /કબજેદાર દ્વારા જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા કોઈપણ પ્રકારની મહાનગરપાલિકાની મંજૂરી વગર ચલાવવામાં આવતા હોવાનું માલુમ પડતા તેમજ બિન પરવાનગીથી વાણિજ્ય હેતુની પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી તાત્કાલિક અસરથી આ બંને હોટેલને સીલ કરવામાં આવ્યા છે અને બંને હોટલને રૂપિયા એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વધુમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ બીયુ પરમિશન ફાયર એનઓસી વગર વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવામાં આવતી હોટલ રેસ્ટોરન્ટ ખાતે તપાસણી ચાલુ રહેશે અને આવી હોટલ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.





