ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે એક અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાનના સૌથી મોટા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે ખાડી વિસ્તારમાં ઈરાનના ઊર્જા માળખાને સીધું નિશાન બનાવવામાં આવ્યું હોય. આ ઘટનાને અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા તણાવમાં એક મોટા ‘એસ્કેલેશન’ (સ્થિતિ વધુ તંગ થવી) તરીકે જોવામાં આવી રહી છે.
પાર્સ ગેસ ફિલ્ડ દુનિયાના સૌથી મોટા કુદરતી ગેસ ભંડારનો હિસ્સો છે, જે ઈરાન અને કતાર સંયુક્ત રીતે ચલાવતા હતા. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ હુમલામાં ગેસ ટેન્કો અને રિફાઇનરીના અમુક હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલા બાદ તરત જ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ હુમલા અંગે ઈઝરાયલી મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર્યવાહી અમેરિકાની સહમતિથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ઈઝરાયલી સેનાએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. બીજી તરફ, કતારે આ હુમલાની સખત નિંદા કરતા તેને ઈઝરાયલનું કૃત્ય ગણાવ્યું છે. કતારે આ પગલાને ‘ખતરનાક અને બેજવાબદાર’ ગણાવતા ચેતવણી આપી છે કે, આનાથી વૈશ્વિક ઊર્જા સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થશે.
બીજી તરફ ઈરાને આગામી ગણતરીના કલાકોમાં પાંચ મુખ્ય ઓઇલ અને ગેસ સુવિધાઓને નિશાન બનાવવાની આક્રમક જાહેરાત કરી છે. પશ્ચિમી દેશો અને પ્રાદેશિક હરીફો સાથેના સંબંધો વણસતા ઈરાને આ વ્યૂહાત્મક પગલું ભરવાની તૈયારી દર્શાવી છે. આ ધમકીને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા બજારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
જે સુવિધાઓને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે, તે વૈશ્વિક ઓઇલ પુરવઠા માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જો આ હુમલાઓ થશે તો હોર્મુઝની સામુદ્રધૂની દ્વારા થતા દરિયાઈ વેપાર પર તેની સીધી અને ગંભીર અસર પડી શકે છે, જે દુનિયાના કુલ ઓઇલ પરિવહનનો મોટો હિસ્સો ધરાવે છે.
આ સંભવિત હુમલાની જાણકારી મળતા જ વૈશ્વિક બજારોમાં ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશો ઊર્જા માટે આ ક્ષેત્ર પર નિર્ભર હોવાથી, ઓઇલ પુરવઠામાં કોઈપણ પ્રકારનો ખલેલ વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકા અને તેના સહયોગી દેશોએ ઈરાનને આવી ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવા ચેતવણી આપી છે અને પોતાની નૌકાદળની હાજરી વધારી દીધી છે.



