ARAVALLIGUJARATMODASA

મોડાસામાં સોહમ સ્વીટ એન્ડ ફરસાણમાં બાળ મજૂરીનો ભાંડાફોડ, શ્રમ વિભાગની કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં સોહમ સ્વીટ એન્ડ ફરસાણમાં બાળ મજૂરીનો ભાંડાફોડ, શ્રમ વિભાગની કાર્યવાહી

 

અરવલ્લી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત સરકારી શ્રમ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મોડાસા શહેરમાં એક મીઠાઈની દુકાનમાંથી બાળ મજૂર મુક્ત કરાવવાનો બનાવ સામે આવ્યો છે.સરકારી શ્રમ અધિકારી એસ.આર.બોદર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ટાસ્ક ફોર્સની ટીમ સાથે મોડાસા શહેરમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન શામળાજી રોડ પર આવેલ શ્રી રામ સિટી સેન્ટરમાં આવેલી સોહમ સ્વીટ એન્ડ ફરસાણ દુકાનમાં એક નાબાલિક બાળકને ગેરકાયદેસર રીતે કામે રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દુકાનના માલિક મિનેશકુમાર બાબુભાઈ નિનામાએ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના શમશાબાદ વિસ્તારના આશરે 13 વર્ષ 6 મહિનાના બાળકને સાફ સફાઈ તેમજ વેઈટર તરીકે કામે રાખ્યો હતો અને નિયત સમય કરતા વધુ કલાકો સુધી કામ કરાવાતું હતું તેમજ યોગ્ય વેતન પણ ચૂકવાતું નહોતું.ટીમ દ્વારા બાળકની પુછપરછ કર્યા બાદ તેને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી અરવલ્લી બાળ સંરક્ષણ સમિતિ મોડાસા ખાતે સોંપવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન મદદનીશ શ્રમ અધિકારી પી.ડી. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના એન.સી. પટેલ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના એએસઆઈ વી.આર. પટેલ તથા એનજીઓના પ્રતિનિધિ પી.કે. પટેલ સહિતની ટીમ જોડાઈ હતી.આ બનાવ અંગે સરકારી શ્રમ અધિકારી દ્વારા બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ 1986 તથા ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!