ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે મોરવા હડફ-અમદાવાદ નવી એસ.ટી. બસ સેવાનો શુભારંભ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મોરવા હડફથી અમદાવાદ માટેની નવી એસ.ટી. બસ સેવાની ભેટ આપવામાં આવી છે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે મોરા બસ સ્ટેશન ખાતેથી આ નવીન બસને લીલી ઝંડી બતાવીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં એસ.ટી. નિગમના અધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ નવી સુવિધાથી તાલુકાના છેવાડાના વિસ્તારોમાંથી આવતા મુસાફરોની અમદાવાદ સુધીની યાત્રા હવે સીધી, વધુ સુવિધાયુક્ત અને આરામદાયક બની છે.
અગાઉ સુલિયાત, મોરા અને મોરવા હડફ જેવા ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગોધરા અને ત્યાંથી આગળ અમદાવાદ જવા માટે વાહન બદલીને તૂટક-તૂટક મુસાફરી કરવી પડતી હતી. લોકોને પડતી આ પારાવાર મુશ્કેલીઓનો હવે કાયમી અંત આવ્યો છે. આ નવી બસ મોરાથી ઉપડીને અમદાવાદ જશે. આ બસ સીધી શરૂ થતાં મુસાફરોના સમય અને નાણાં બંનેની બચત થશે.
આ નવી બસ સેવા શરૂ થવાથી સ્થાનિક અર્થતંત્ર અને શિક્ષણને પણ વેગ મળશે. રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ, ઉચ્ચ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ, સામાન્ય શ્રમિકો અને વેપારીઓને આ ડાયરેક્ટ બસ સેવાનો બહોળો લાભ મળશે. પ્રજાના હિતના કાર્યો કરવા અને તેમના પ્રશ્નોના સચોટ નિરાકરણ માટે હંમેશા અગ્રેસર રહેતા ધારાસભ્ય નિમિષાબેન સુથારે આ લોકઉપયોગી બસ ફાળવવા બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. લાંબા સમયની હાલાકી દૂર થતાં સ્થાનિક પ્રજાજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને તેઓએ ધારાસભ્યની આ સક્રિય કામગીરીની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો.







