નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૨.૮૬ કરોડનું બજેટ જાહેર: સામાન્ય લોકો પર કોઈ નવો ટેક્સ નહીં નાખતા લોકોને મોટી રાહત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૧૨૮૬.૨૨ કરોડનું ઐતિહાસિક બજેટ ટાઉન હોલ ખાતે રજૂ કરવામાં આવ્યું. આ બજેટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેમાં સામાન્ય જનતા પર કોઈ પણ પ્રકારનો નવો વેરો (ટેક્સ) લાદવામાં આવ્યો નથી, જે મધ્યમ વર્ગ માટે મોટી રાહત સમાન સાબિત થશે નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા બજેટમાં વોર્ડ મુજબ વિકાસકીય કાર્યો અને માળખાગત સુવિધાઓની વિગતવાર માહિતી વોર્ડ મુજબ આપવામાં આવી છે.
જેમાં વોર્ડ નં. ૧:આ વોર્ડમાં જલાલપોરથી બોદાલી સુધીનો નવો રસ્તો (₹પ કરોડ) અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી સ્ટ્રીટ (રૂ.૦.૫ કરોડ) બનાવવામાં આવશે. પાણી પુરવઠા માટે બાપા સીતારામ મંદિર (પૂણેશ્વર) નજીક ડબલ્યુએસએસ પમ્પિંગ સ્ટેશન બનશે. આ ઉપરાંત, હંસગંગા સોસાયટી નજીક એસડબલ્યુડી (SWD) અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. જૂની જલાલપોર મામલતદાર કચેરી ખાતે પિંક ટોયલેટ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
વોર્ડ નં. ૨:વોર્ડ ૨ માં ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે શાંતાદેવી નજીક અને સોમનાથ મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
વોર્ડ નં. ૩:આ વિસ્તારમાં શાંતાદેવી મુખ્ય માર્ગના વિકાસ માટે ₹૦.૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. પીવાના પાણીની સુવિધા માટે સ્ટેશન એરિયા અને પ્રેમજી કોમ્પ્લેક્ષ નજીક ઈન્ટેક વેલ/બોરવેલની સુવિધા ઊભી કરાશે. વરસાદી પાણીના નિકાલ માટે માણેકલાલ રોડ નજીક એસડબલ્યુડી પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
વોર્ડ નં. ૪: વિરાવળ શાળા પાસે ઇએસઆર (ESR) અને મોથવાલ ચાલ નજીક યુજીએસઆર (UGSR) બનાવાશે. કાશીવાડી અને વિરાવળ પંચાયત નજીક પમ્પિંગ સ્ટેશનો તેમજ સર્વે નં. ૪૬૨ નજીક એસટીપી (STP) પ્લાન્ટ બનશે. આ વોર્ડમાં હેરિટેજ પ્રેસિંક્ટ ડેવલપમેન્ટ (તબક્કો 2), કમેલા ખાતે વાહન શેડ, મિથિલા નગરી બ્રિજ અને વીરાવળ જકાતનાકા ટ્રાફિક જંકશનનો વિકાસ કરવામાં આવશે. તળાવના નવીનીકરણ અને પ્રવેશ દ્વારના નિર્માણમાં પણ આ વોર્ડનો સમાવેશ થાય છે.
વોર્ડ નં. ૫:આ વોર્ડમાં કબીલપોર મુખ્ય માર્ગનું ₹૧૦ કરોડના ખર્ચે રોડ રિસર્ફેસિંગ કરવામાં આવશે. જનકપુરી પાસે ઇએસઆર અને યુજીએસઆર, તેમજ શીતલ હોટેલ, ચોવીસી પંચાયત અને ધારાગીરી તળાવ પાસે પમ્પિંગ સ્ટેશનો ઊભા કરાશે. આ ઉપરાંત, શાકભાજી બજાર, સ્માર્ટ લાઇબ્રેરી અને ચોવીસી ગામમાં રમતગમત સંકુલ બનાવવામાં આવશે.
વોર્ડ નં. ૬:વોર્ડ ૬ માં લક્ષ્મીનારાયણ મંદિર (કાલીયાવાડી) પાછળ ડબલ્યુએસએસ, એસડબલ્યુડી અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો બનાવવાની જોગવાઈ છે. નાગરિકોની સુવિધા માટે પિંક ટોયલેટ, ફીડિંગ ઝોન તેમજ નવું શોપિંગ સેન્ટર બનાવવામાં આવશે.
વોર્ડ નં. ૭:આ વિસ્તારમાં વરસાદી અને ગટરના પાણીના નિકાલ માટે અહિંસા દ્વાર, જૂનાથાણા વિસ્તાર અને ભેનખાડી વિસ્તાર પાસે એસડબલ્યુડી અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. અંબિકા સોસાયટી, અજીત સોસાયટી, ટેકનીકલ શાળા અને ચીકુવાડી પાસે પણ વિવિધ પમ્પિંગ સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે.
વોર્ડ નં. ૮:વોર્ડ ૮ માં આશાપુરી મંદિરથી શિવાજી ચોક સુધીનો ₹૧૫ કરોડના ખર્ચે નવો આઇકોનિક રસ્તો બનાવવામાં આવશે. ડ્રેનેજ વ્યવસ્થા માટે મંકોડિયા વિસ્તાર અને શિવાજી ચોક પાસે પમ્પિંગ સ્ટેશન બનશે. આ વોર્ડમાં સ્માર્ટ લાઇબ્રેરી અને તળાવના નવીનીકરણના કામો પણ સૂચિત છે.
વોર્ડ નં. ૯:આ વોર્ડમાં એરુ ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન ઓવરબ્રિજ સુધીનો ₹૧૦ કરોડના ખર્ચે આઇકોનિક રસ્તો બનાવવામાં આવશે. પાણીના નિકાલ માટે સમોદીયા ફળિયા પાસે પમ્પિંગ સ્ટેશન અને વિજલપોર ઝોન કચેરી ખાતે નવું પુસ્તકાલય બનાવવામાં આવશે.
વોર્ડ નં. ૧૦:વોર્ડ ૧૦ માં ગટર વ્યવસ્થાની સુવિધા સુધારવા માટે મારુતિનગર અને યોગીનગર ખાતે નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
વોર્ડ નં. ૧૧:આ વિસ્તારમાં છાપરા પંચાયત ઓફીસ અને પંચવટી સોસાયટી પાસે ઇએસઆર અને યુજીએસઆર બનાવવામાં આવશે. અંકોલ તળાવ અને ચંદન તળાવ ખાતે ડબલ્યુટીપી પ્લાન્ટની કામગીરી હાથ ધરાશે, અને ગોકુલપુરા, રેવાનગર, વિઠ્ઠલ મંદિર તેમજ મેઘવાળ પાસે પમ્પિંગ સ્ટેશનો ઊભા કરાશે.
વોર્ડ નં. ૧૨: છાપરા ગામ તળાવ અને દાંતેજ તળાવ ખાતે ઈન્ટેક વેલ/બોરવેલની કામગીરી થશે. વાઘવાળી, નવી તિઘરા વસાહત અને શિવ પાર્વતી સોસાયટી પાસે પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવશે.
વોર્ડ નં. ૧૩:તીઘરા (રાશી મોલ પાછળ) વિસ્તારમાં ઇએસઆર અને યુજીએસઆર બનશે.આ વોર્ડમાં સર્કિટ હાઉસથી ઇટાળવા જંકશન સુધીનો ₹૧૫ કરોડના ખર્ચે નવો આઇકોનિક રસ્તો બનાવવામાં આવશે. આ વિસ્તારમાં EV ચાર્જિંગ સ્ટેશન, ગાર્ડન/ઓક્સિજન પાર્ક અને દિવ્યાંગો માટે અનુકૂળ બગીચો તેમજ કો-વર્કિંગ સ્પેસ ઊભી કરવામાં આવશે. ડ્રેનેજ માટે પંડિત દીનદયાળ નગર અને તિઘરા સીઆર પાટીલ સંકુલ પાસે પમ્પિંગ સ્ટેશન બનશે.
આ બજેટમાં શહેરના આધુનિકીકરણ, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, ડ્રેનેજ સિસ્ટમ અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નવસારીને ‘સ્માર્ટ સિટી’ તરફ લઈ જવાના લક્ષ્ય સાથે, આ બજેટમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે, જે આગામી સમયમાં શહેરના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.





