સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું,મંદિર ખાતે આઠમનો હવન કરવામાં આવ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૩.૨૦૨૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રધ્ધા સાથે ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે આઠમનો હવન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર માં કરવામાં આવ્યો હતો. જ્યારે નવરાત્રી ની આઠમના રોજ એક લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.ભક્તો એ માતાજી ના દર્શનની સાથે સાથે આઠમના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રી ના આઠમના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય ૫૧, શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો આસ્થા સાથે દર્શનાર્થે આવ્યા હતા.શક્તિપીઠ પાવાગઢ ખાતે ભારત વર્ષમાં થી લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે જેમાં ખાસ કરીને ચૈત્રી તેમજ આસો નવરાત્રી તેમજ શનિ-રવિ ના રોજ ભક્તો માતાજીના દર્શનાર્થે વિશેષ આવતા હોય છે જોકે ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે.જ્યારે ગુરૂવારના રોજ આઠમ હોય હવનના તેમજ માતાજીના દર્શન કરવા બુધવાર મધ્યરાત્રીથી જ ભક્તોનો ભારે પ્રવાહ મંદિર તરફ જતો જોવા મળી રહ્યો હતો જેમાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા. બુધવાર મધ્યરાત્રિથી જ મંદિર પરિષદ તેમજ મંદિરના પગથીયા પર નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી ભક્તો પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે પાંચ કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકતા મંદિર પરિસર ખાતે હાજર માય ભક્તોએ જય માતાજીના ભારે જયઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જેમાં મંગળા આરતી થતાં ભક્તોએ આરતી સાથે માતાજીના દર્શન નો લાહવો લઈ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી નો આઠમ ના હવન માં હવન કુંડમાં આહુતિ આપવા બેઠેલ યજમાનો તેમજ ભક્તો આઠમના હવનમાં ઉપસ્થિત રહ્યા હતા.જયારે આઠમના યજ્ઞનો આરંભ સવારે ૯.૦૦ કલાકે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. બપોર ના ૪.૦૦ કલાકે હવન કુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં આજે આઠમના નોરતાને લઇ માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.











