GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ૮૦મા સ્વતંત્રતા પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ગોંડલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં થઈ ઉજવણી

તા.૧૬/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી

સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ વિશિષ્ટ કામગીરી બદલ ૭૯ કર્મયોગીઓને સન્માનિત કરાયાં

દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

જિલ્લાના વિકાસ માટે કૃષિ મંત્રીશ્રી દ્વારા જિલ્લા કલેકટરશ્રીને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો

છેલ્લા ૧૦ વર્ષમાં કુદરતી આપત્તિઓમાં રાજ્યમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને રૂ. ૨૨,૭૩૩ કરોડની સહાય ચૂકવાઈ

‘એક પેડ મા કે નામ’ હવે જનઆંદોલન બન્યું: રાજ્યમાં ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

રાજ્યના કૃષિ બજેટમાં ૨૪,૦૦૦ કરોડથી વધુની ઐતિહાસિક જોગવાઈ કરાઈ

Rajkot, Gondal: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી સંગ્રામસિંહજી હાઈસ્કૂલ, ગોંડલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી હતી.

રાષ્ટ્રીય પર્વના પ્રારંભે ઉપસ્થિત નાગરિકોએ સૌપ્રથમ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. બાદમાં પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગાનની ધૂન રજૂ થઈ હતી.ધ્વજારોહણ બાદ મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે તેમની સાથે જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ અને જિલ્લા પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જર તેમજ મુખ્ય પરેડ કમાન્ડર, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રાગરાજસિંહ જાડેજાએ પરેડનું નેતૃત્વ કર્યું હતું.

આ તકે નાગરિકોને સંબોધતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી ગોંડલવાસીઓ અને ઉપસ્થિત સૌને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી, ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજીને યાદ કર્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અનેક શહીદવીરોએ આઝાદી માટે પોતાના બલિદાનો આપ્યા ત્યારે વર્ષોના સંઘર્ષ પછી આપણને સ્વરાજ્ય પ્રાપ્ત થયું છે.

પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિએ સત્ય, અહિંસા અને સ્વરાજનો સંદેશ વિશ્વને આપ્યો, એ જ સંદેશને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર વિશ્વને ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના સાથે આગળ લઈ જઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, આપણા સ્વતંત્રતા સેનાનીઓએ સમગ્ર દેશને એકતાના સૂત્રમાં બાંધતા દેશને સ્વતંત્રતા મળી. એ જ પ્રકારે સમગ્ર દેશ આજે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા આપણે સૌને સાથે મળીને આગળ વધીએ તેવો પ્રયાસ કરી રહ્યાં છે. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતો દેશ એક-એક ડગલું આગળ વધે તો એક ક્ષણે ૧૪૦ કરોડ ડગલા ભારત આગળ વધી શકે છે.

વિકસિત ભારત માટે રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવાઈ અને દરેક નીતિથી છેવાડાનો અંતિમ માણસ મુખ્ય પ્રવાહમાં ભળે તેવો સંકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના, જન-ધન યોજના, પીએમ સૂર્યઘર, ખેડૂત કલ્યાણકારી યોજનાઓ સહિત યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓને મળી રહ્યો હોવાનું ઉમેર્યું હતું.

પર્યાવરણની સુરક્ષા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન જનઆંદોલન બન્યું છે. ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સુરક્ષાની દિશામાં ગુજરાતે દેશને નવી દિશા બતાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

દેશ તથા ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશને સમૃદ્ધ કરવા ખેતી સમૃદ્ધ રહે તે જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિલક્ષી યોજનાઓ અમલમાં લાવતા આજે સશક્ત કૃષિથી ગુજરાત બદલાયું છે. સિંચાઈ માટે લાખો હેક્ટર ખેતીની જમીન સુધી પાણી પહોંચાડવાનું અવિરત કાર્ય, ‘નલ સે જલ’થી શુદ્ધ પીવાનું પાણી સરકાર દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં અનેક કુદરતી આપત્તિઓ સમયે રાજ્યના કુલ ૧.૩૬ કરોડ ખેડૂતોને ૨૨,૭૩૩ કરોડ રૂપિયાની રાહત ચૂકવવામાં આવી છે. એક જ વર્ષમાં ૩૬.૭૪ લાખ ખેડૂતોને ૧૦,૩૩૭ કરોડની માતબર રાજ્ય સરકારે ખેડૂતોને ચૂકવી હતી. ખેડૂત કલ્યાણ, કૃષિમાં યાંત્રિકીકરણ અને આધુનિકતા માટે કૃષિ વિભાગમાં વિક્રમી ૨૪,૦૦૦થી પણ વધારે કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. વિકસિત, સશક્ત અને સમૃદ્ધ ભારત માટે પ્રાકૃતિક કૃષિની ખેતી જરૂરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ‘મિશન પ્રાકૃતિક ખેતી’ જનઆંદોલન બન્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા અને રાજ્યના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધે તે જરૂરી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સાથે તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે હાથ ધરાઈ રહેલા ભગીરથ કાર્યને યાદ કરી રાજ્યમાં ૯ લાખથી પણ વધારે ખેડૂતો આ કાર્યમાં જોડાયા હોવાનું કહ્યું હતું.

તેમણે કહ્યું કે, રાજકોટમાં ૨.૭૫ લાખ ખેડૂતોએ ૫.૨૫ લાખ હેક્ટર ખેડાણ વિસ્તાર અને પહેલી ઓગસ્ટ સુધીમાં ૫,૦૪,૫૮૧ હેક્ટરમાં વાવેતર કર્યું છે. તેમને શુભકામના પાઠવું છું.

આરોગ્ય ક્ષેત્ર, ગામડાઓ અને શહેરોમાં માળખાકીય સુવિધાઓ, આધુનિક શિક્ષણ વ્યવસ્થા, ઉદ્યોગ વ્યવસ્થા, ખેતી અને ખેડૂત કલ્યાણકારી યોજનાઓ, ઊર્જા, પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ ક્ષેત્રે આપણે સૌ સાથે મળીને આગળ વધી રહ્યાં હોવાનું કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, બે કે ત્રણ દાયકા પહેલાનું આપણું જીવન અને આજના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. ઐતિહાસિક વારસો ધરાવતું ગોંડલ વિકાસની નવી ગાથા લખી રહ્યું છે, રૂ. ૫૦-૫૦ કરોડથી પણ વધારેની રકમ ગોંડલમાં વિકાસનાં કામો માટે વપરાઈ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા ‘મેક ફોર વર્લ્ડ’ના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે. ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમ અને રમતનાં મેદાનો તથા ખેલ માટે ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી આપણે રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવી તે ગૌરવની વાત છે. રમત ગમત ક્ષેત્રે દેશના દિવ્યાંગ ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા સાબિત કરી દેશનું નામ વૈશ્વિક કક્ષાએ રોશન કરી રહ્યા છે.

દેશને વધુ મજબૂત અને વિકસિત બનાવવા સૌને જનકલ્યાણનાં કાર્યમાં અને દેશના વિકાસમાં સહયોગ આપવાની અપીલ તેમણે કરી હતી.

આ તકે મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના વિકાસ માટે જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશને રૂપિયા ૨૫ લાખનો ચેક એનાયત કર્યો હતો.

આ અવસરે મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર ૭૯ કર્મયોગીઓને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતાં.

આજના રાષ્ટ્રીય પર્વમાં મુખ્ય પરેડ કમાન્ડર પોલીસ ઇન્સ્પેકટર શ્રી પ્રાગરાજસિંહ જાડેજાની આગેવાનીમાં પ્લાટુન કમાન્ડર પી.એસ.આઈ.શ્રી વિવેક સુરાણી, શ્રી ધર્મેશ રંગાણી, શ્રી અનિલ ચૌધરી, શ્રી નયનાબા ગોહિલ, જી.આર.ડી. પ્લાટુન કમાન્ડર શ્રી બીપીનભાઈ સોનરાત, એસ.પી.સી. પ્લાટુન કમાન્ડરશ્રી રિધ્ધીબેન સિધ્ધપુરા તથા બેન્ડ પ્લાટુન મેજરશ્રી ડી.પી.સોંદરવાની આગેવાનીમાં વિવિધ પ્લાટુન જોડાઈ હતી.

આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં પાર્થ પ્રાથમિક શાળા દ્વારા રાજસ્થાની ગીત, મોંઘીબા સ્કુલ ફોર ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા પરોઢ થયું કોયલડી (પરોઢિયું), ગોંડલ શાળા નંબર-૫ કન્યા શાળા દ્વારા ફ્યુઝન ગીત, સ્વામીનારાયણ વિદ્યાલય ભાયાવદર દ્વારા અઠિંગો રાસ, શ્રીમતિ કે.બી.બેરા કન્યા વિદ્યાલય દ્વારા ભવિષ્યનું ભારત-વિશ્વગુરુ, કુંજ પ્રાથમિક શાળા દ્વારા આન દેશકી નૃત્ય, BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર દ્વારા પિરામિડ સાથે નૃત્ય, ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જય હો ગીત પર નૃત્ય તેમજ શ્રી શિવરાજગઢ તાલુકા શાળા દ્વારા યોગા વિથ પીરમિડની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવશ્રીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસવડા શ્રી વિજયસિંહ ગુર્જર, પ્રોબેશનરી આઈ.એ.એસ. શ્રી ટીના કલ્યાણ, એ.એસ.પી. શ્રી નવીન ચક્રવર્તી, એ.એસ.પી. શ્રી સિમરન ભારદ્વાજ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!