નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી આયોજિત મનોદિવ્યાંગ બાળકો માટે રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવ : ૨૦૨૫-૨૬ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજીત ૦૭ થી ૧૩ વર્ષના દિવ્યાંગ અને ૦૭ થી ૧૫ વર્ષના મનોદિવ્યાંગ બાળકો માટે રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવ : ૨૦૨૫-૨૬નું આયોજન શ્રી પ્ર.સ.કોઠારી બહેરા મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય (મમતા મંદિર), નવસારીના સહયોગથી કરવામાં આવેલ હતું. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એમ ચાર ઝોનના ૧૫૦થી વધુ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કાવ્ય લેખન સ્પર્ધાઓ તેમજ સાંસ્કૃતિક વિભાગમાં સમૂહગીત અને લોકનૃત્ય/રાસ/ગરબા સ્પર્ધા યોજાઈ હતી તથા નાટ્ય વિભાગમાં એકાંકી સ્પર્ધાઓ યોજાઈ હતી. દિવ્યાંગ અને મનોદિવ્યાંગબાળકોએ પોતાની પ્રતિભાનો પરિચય આપતી આ ત્રણેય વિભાગમાં કૃતિઓ સુંદર રીતે રજૂ કરી હતી. કલાને શારીરિક મર્યાદાઓ સાથે પણ સુંદર રીતે કેમ પ્રદર્શન થાય તે આ બાળકોએ શીખવ્યું હતું. આ કાર્યક્રમ અધ્યક્ષ એવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી નિર્મલભાઈ ચૌધરીએ સુંદર બાળવાર્તા સાથે ઉપસ્થિત સ્પર્ધકોને સંબોધ્યા હતા. શાળાના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી દ્વારા સરકારશ્રીના પ્રયાસોને બિરદાવ્યા હતા. સ્પર્ધાના અંતે તમામ ભાગ લેનાર તેમજ વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. જેમાં નવસારી સહીત સુરત, ભાવનગર, વલસાડ વગેરે જિલ્લાના તજજ્ઞોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સ્પર્ધાના અંતે વંદે માતરમ્ @ ૧૫૦ના ત્રીજા ફેઝની ઉજવણી કરતા વંદે માતરમ્ ગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોએ તેમની સાંકેતિક શૈલીમાં વંદે માતરમ્ ગીતનું ગાન કર્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા શ્રી પ્ર.સ.કોઠારી બહેરા મૂંગા વિવિધલક્ષી વિદ્યાલયના કર્મચારીગણના સયુકત પ્રયાસ થકી રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવ : ૨૦૨૫-૨૬ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




