
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ક્લાર્ક ભરતીમાં એસટી બેકલોગમાં અનિયમિતતા અંગે સમસ્ત આદિવાસી સમાજની ફરિયાદ પર રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા એસબીઆઈને નોટિસ ફટકારી આવી.
.સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ અંતરસિંહ આર્ય,અધ્યક્ષશ્રી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ,નવી દિલ્હી અને પરભુભાઈ વસાવા,સાંસદ બારડોલી મતવિસ્તારને પત્ર લખીને SBI ક્લેરિકલ ભરતી 2024 અને 2025 માં અનિયમિતતા અંગે રજૂઆત કરી હતી. પત્રમાં ડો.પ્રદીપભાઈ ગરાસિયાના જણાવ્યા અનુસાર SBI દ્વારા 16/12/2024ના રોજ જાહેર કરાયેલ ક્લેરિકલ ભરતી સૂચના મુજબ કુલ 14,191 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં અનુસૂચિત જનજાતિ માટે કુલ 321 જગ્યાઓ (160 નિયમિત + 161 બેકલોગ) દર્શાવવામાં આવી હતી. હાલમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને યોગ્ય ઉમેદવારોને નિયુક્તિ પણ આપવામાં આવી છે. ત્યારબાદ, 05/08/2025ના રોજ SBI દ્વારા 6,589 ક્લેરિકલ જગ્યાઓ માટે નવી સૂચના જાહેર કરવામાં આવી છે, જેમાં ST વર્ગ માટે માત્ર 33 નિયમિત જગ્યાઓ દર્શાવવામાં આવી છે અને બેકલોગ જગ્યાઓ શૂન્ય દર્શાવવામાં આવી છે. 16/12/2024ની સૂચના મુજબ ST માટેની 321 જગ્યાઓમાંથી ગુજરાતમાં કેટલા ઉમેદવારોની પસંદગી અને નિયુક્તિ કરવામાં આવી છે?જો ST માટેની તમામ જગ્યાઓ પૂર્ણ રીતે ભરાઈ નથી, તો બાકી રહેલી જગ્યાઓને 05/08/2025ની નવી સૂચનામાં બેકલોગ તરીકે કેમ દર્શાવવામાં આવી નથી?સંબંધિત સત્તાધિકારી પાસેથી આ બાબતે તપાસ/સ્પષ્ટતા કરાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો આદિવાસી સમાજના યુવાનોને ન્યાય મળી શકે એમ છે.આ બાબતે ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડો.પ્રદીપભાઈ ગરાસિયા સાહેબની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઇ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના ડાયરેક્ટર ડો.પી.કલ્યાણ રેડ્ડીએ સ્ટેટ બેન્કના અધ્યક્ષને તમામ તથ્યો અને દસ્તાવેજો સાથે નવી દિલ્હી ખાતે લોક નાયક ભવનમાં શ્રી જતોતુ હુસૈનની કોર્ટમાં તારીખ 06/04/26 ના રોજ હાજર રહેવાનો હુકમ અને જો અઘ્યક્ષ કોર્ટમાં હાજર નહી રહે તો સંવિધાનની કલમ 338A હેઠળ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. આવનાર સમયમાં પણ સમસ્ત આદિવાસી સમાજના હોદ્દેદારો આદિવાસીઓના હક અધિકાર માટે સતત લડત આપતાં રહેશે અને ન્યાય અપાવવા પ્રયત્નશીલ રહેશે.






