જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને CEA-2021 અંતર્ગત જિલ્લા રજીસ્ટ્રેશન ઓથોરીટીની બેઠક યોજાઈ

5 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આગામી 12 સપ્ટેમ્બર 2026 સુધી તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું ફરજિયાત બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ – 2021 (CEA-2021) અંતર્ગત જિલ્લા રજીસ્ટ્રેશન ઓથોરીટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આવરી લેવાની પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વધુમાં વધુ આરોગ્ય સંસ્થાઓનું CEA-2021 અંતર્ગત પ્રોવિઝનલ તેમજ કાયમી રજીસ્ટ્રેશન સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓએ ગતિશીલતા દાખવવી જરૂરી છે. તેમણે અધિકારીશ્રીઓને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા અને નક્કી કરેલ સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ આગામી 12/09/2026 સુધીમાં જિલ્લાના તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલો, ક્લિનિકો અને અન્ય આરોગ્ય સંસ્થાઓનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન પૂર્ણ થાય તે જરૂરી છે. સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલી અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને તમામ સંસ્થાઓને જરૂરી દસ્તાવેજો સાથે તાત્કાલિક નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ – 2021 હેઠળ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે સરકારશ્રી દ્વારા તા.12/09/2026 સુધીની અંતિમ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. તેથી તમામ આરોગ્ય સેવા પ્રદાતાઓએ સમયસર નોંધણી કરીને કાયદાકીય નિયમોનું પાલન કરે તેમજ આરોગ્ય સેવાઓને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને ગુણવત્તાસભર બનાવવામાં સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.આ બેઠકમાં મેમ્બર સેક્રેટરી તેમજ સિવિલ સર્જનશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડીસા વહીવટી અધિકારીશ્રી તેમજ કમિટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.





