અનામત સીટ બહાર દલિતોને ટિકિટ મળશે? વાવ-થરાદમાં રાજકીય ચર્ચા તેજ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લામાં આવનારી ચૂંટણીઓને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ તેમજ આપ પાર્ટી દ્વારા ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે સૌથી મોટી ચર્ચાનો વિષય એ બન્યો છે કે અનામત સીટ સિવાય દલિત સમાજને ટિકિટ આપવામાં આવશે કે નહીં.
સ્થાનિક સ્તરે દલિત આગેવાનો અને યુવાનોમાં લાંબા સમયથી માંગ ઉઠતી રહી છે કે તેઓને માત્ર અનામત સીટ સુધી મર્યાદિત ન રાખવામાં આવે, પરંતુ સામાન્ય સીટ પર પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે. આ મુદ્દે બંને પક્ષોની નીતિ પર લોકોની નજર છે.
ભાજપના સૂત્રો અનુસાર પાર્ટી “વિનિંગ ફેક્ટર” અને લોકપ્રિયતા આધારે ઉમેદવારો પસંદ કરવાની વાત કરે છે, જ્યારે કોંગ્રેસ પણ સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાની વાત કરી રહી છે. જોકે, હકીકતમાં અનામત સિવાય દલિત ઉમેદવારોને તક મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
જિલ્લાના રાજકીય વિશ્લેષકો માને છે કે જો બંને પાર્ટીઓ દલિતોને સામાન્ય સીટ પર ટિકિટ આપે છે, તો તે સામાજિક સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. બીજી તરફ, જો પરંપરાગત પદ્ધતિ જ ચાલુ રાખવામાં આવશે તો દલિત સમાજમાં અસંતોષ વધવાની શક્યતા છે.
હાલમાં સેન્સ પ્રક્રિયા ચાલુ હોવાથી અંતિમ નિર્ણય પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. પરંતુ વાવ-થરાદની રાજકીય ગતિવિધિઓમાં દલિત પ્રતિનિધિત્વનો મુદ્દો આ વખતે કેન્દ્રસ્થાને રહ્યો છે.




