વાંસદા તાલુકાના આંબાબારી છાત્રાલયમાં મૂલ્યવાન પુસ્તકોના દાનથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ગામે આવેલ વનવાસી વિકાસ મંડળ, વઘઇ ડાંગ સંચાલિત રિદ્ધિ-સિદ્ધિ માધ્યમિક કન્યા છાત્રાલયમાં એક સરાહનીય અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરાઈ હતી. આ અવસરે નવસારી જિલ્લા પોલીસ શાખામાં ફરજ બજાવતા પીઆઈ કિરણભાઈ પાડવી તથા ભારતીય સેવામાં ફરજ બજાવતા શીતલભાઈ પટેલ દ્વારા છાત્રાલયની લાઇબ્રેરી માટે મૂલ્યવાન પુસ્તકોનું દાન આપવામાં આવ્યું હતું. આ પુસ્તકો JCO ઓનેસ્ટભાઈ પરમારના સહયોગથી ઉપલબ્ધ બન્યા હતા.પુસ્તકદાનના આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. નવા પુસ્તકો મળવાથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ રસ વધશે તેમજ જીવનમૂલ્ય આધારિત જ્ઞાન પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
દાતાશ્રીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વાંચન જીવનમાં સફળતા માટે અત્યંત જરૂરી છે. પુસ્તકો માત્ર અભ્યાસ પૂરતા જ નહીં, પરંતુ વ્યક્તિત્વ વિકાસ અને જીવન ઘડતર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.
કાર્યક્રમ દરમિયાન કિરણભાઈ પાડવી, શીતલભાઈ પટેલ તથા રીતેશ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે તેમને ભવિષ્ય માટે પ્રેરણાદાયક બન્યું. જ્યારે દાનદાતાઓની આ સેવાકીય અને પરોપકારી ભાવનાને હૃદયપૂર્વક બિરદાવવા યોગ્ય છે. સમાજમાં શિક્ષણના પ્રસાર અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે તેઓએ આપેલું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. આવા નિસ્વાર્થ સેવાભાવી પ્રયાસો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહે છે. દાતાશ્રીઓએ સાબિત કર્યું છે કે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતા નાના પ્રયાસો પણ મોટા પરિવર્તન લાવી શકે છે. આ પ્રસંગે ગૃહમાતા કુસુમબેન, સંસ્થાના રિતેશ પટેલ તથા હિતાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ છાત્રાલય માટે પ્રેરણાદાયક બની રહ્યો હતો અને વિદ્યાર્થીઓએ પુસ્તકદાન બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





