બનાસકાંઠામાં કાનૂની જાગૃતિનો નવો અધ્યાય: છેવાડાના માનવી સુધી પહોંચશે ‘મલ્ટી-યુટિલિટી વ્હીકલ

8 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
NALSA દ્વારા બનાસકાંઠાને અત્યાધુનિક MUV વાહનની ભેટ: ગામડે-ગામડે મફત કાનૂની સહાયનો
થશે પ્રસાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી , ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદને ફાળવવામાં આવેલ ખાસ ‘મલ્ટી-યુટિલિટી વ્હીકલ’ હવે બનાસકાંઠા જિલ્લામાં કાનૂની જાગૃતિનો સંદેશ વહેતો કરશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠાને આ અત્યાધુનિક વાહન સુપરત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાગૃતિના અભિયાનને વેગ આપવા અને કાનૂની પ્રવૃત્તિઓને છેવાડાના વિસ્તારો સુધી વિસ્તારવાનો છે.આ પ્રસાર વાહન ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વાહનના માધ્યમથી લોકોને તેમના પાયાના કાનૂની અધિકારો, સરકારની મફત કાનૂની સહાયની વિવિધ યોજનાઓ અને લોક અદાલતના ફાયદાઓ વિશે સ્થળ પર જ વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ વાહન આધુનિક પ્રસાર સુવિધાઓથી સજ્જ હોવાથી, ફિલ્ડમાં કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન વધુ અસરકારક અને પરિણામલક્ષી બનશે.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આ વાહન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભ્રમણ કરશે. આ પહેલથી સામાન્ય જનતાને કાનૂની ગૂંચવણો ઉકેલવામાં મદદ મળશે અને ન્યાયિક પ્રક્રિયા અંગેની સાક્ષરતામાં વધારો થશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે બનાસકાંઠાના નાગરિકોને ઘરઆંગણે જ કાયદાકીય માર્ગદર્શન સરળતાથી મળી રહેશે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે તેમ સચિવશ્રી, કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.






