
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાનાં બારીપાડા તથા શામગહાન પંથકમાં શ્રદ્ધાભેર અને ઉત્સાહપૂર્વક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ડાંગનાં બારીપાડા ખાતે સવારે બારીપાડાના આંબેડકર સર્કલ ખાતે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો એકત્રિત થયા હતા. અહીં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વિધિવત પૂજન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ આગેવાનો શામગહાન પહોંચ્યા હતા, જ્યાં બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર અને બિરસા મુંડાના વિચારો આજે પણ સમાજને પ્રેરણા આપે છે. યુવા સામાજિક કાર્યકર્તા નીતિનભાઈ રાઉતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બાબાસાહેબે દરેક વર્ગના હક અને અધિકારોની રક્ષા માટે બંધારણ રચ્યું હતું, જેના કારણે સ્ત્રીઓ, બાળકો અને વડીલો સહિત દરેક વ્યક્તિને સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. તેમણે “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” ના મંત્રને જીવનમાં ઉતારવા માટે સૌને પ્રેરણા આપી હતી.આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો હાજર રહી મહાપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે યુવા સામાજિક કાર્યકર્તા નીતિનભાઈ રાઉત, અરૂણભાઈ બાગુલ, ગંગારામભાઈ ચૌધરી તેમજ અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..





