
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – સ્ટેટ મોનીટરીંગ સેલનો ફરી સપાટો : 8 લાખથી વધુના દારૂ સાથે ઇનોવા કાર ઝડપાઈ,ખેરાઈ ઢુંઢા પ્રાથમિક શાળા આગળ રેડ, બાયડ ખાતે દારૂ જતો હોવાનું તપાસમાં બહાર આવ્યું
આરોપીઓ નો ઇસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પહેલા પણ ગુનો નોંધાયો હતો

અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા ફરી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેઘરજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી સવારથી પેટ્રોલિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઈ છે.માહિતી મુજબ, SMCના પીએસઆઇ સી.કે. સિસોદિયા અને તેમની ટીમ મેઘરજ-ઉંડવા માર્ગ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે અંગત બાતમીદારે સૂચના આપી હતી કે એક ઇનોવા કારમાં દારૂનો જથ્થો લઇ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે ટીમે ખેરાઈ ઢુંઢા પ્રાથમિક શાળા નજીક મુખ્ય માર્ગ પર પહોંચી તપાસ કરતા એક ઇનોવા કાર ટાયર પંચર હાલતમાં જોવા મળી હતી.કાર પાસે ઉભેલા શખ્સને કાબૂમાં લઇ તલાશી લેતા અંદરથી અંગ્રેજી દારૂ અને બિયરના મોટા જથ્થાનો ભંડાફોડ થયો હતો. SMCએ કુલ 4068 બોટલ/ટીન સાથે અંદાજે ₹8,41,560નો દારૂ, ₹10,000નો મોબાઈલ ફોન અને ₹20 લાખની ઇનોવા ક્રિસ્ટા કાર (નંબર GJ 01 HU 4206) મળી કુલ ₹28,51,560નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા આરોપી પ્રવીણ અમરતલાલ ભગોરા (સરેરા નવાગામ, ખેરવાડા) ની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો અરવલ્લીના બાયડ નજીક સોંપવાનો હોવાનો ખુલાસો કર્યો હતો.આ કેસમાં SMCએ કુલ પાંચ આરોપીઓને સંડોવાયેલા ગણાવ્યા છે, જેમાં કાર માલિક બુટલેગર કાલુરામ છગનારામ (સાંચોર, ઝાલોર), કિરણકુમાર પ્રેમાજી ચૌહાણ (કુબેરનગર, અમદાવાદ), પ્રવીણસિંહ ગજરાજસિંહ ચૌહાણ (વરદા-સાગવડા) તેમજ બાયડ નજીક દારૂ લેવા આવનાર અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા પ્રવીણ ભગોરા સામે અગાઉ પણ ઇસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જ્યારે વોન્ટેડ આરોપી પ્રવીણસિંહ ચૌહાણ વિરુદ્ધ મેઘરજ, ઇસરી અને માલપુર પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.સમગ્ર કાર્યવાહી બાદ SMCએ મુદ્દામાલ મેઘરજ પોલીસને સોંપી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરી છે.





