NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ ઉજવણી નિમિતે મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 136મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા, જાતિવાદ મુક્ત ભારત અને શિક્ષિત ભારતના મંત્ર સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જલાલપોર સ્થિત પાટીદાર સમાજ ભવન ખાતે વિદ્યા સંજીવની મંડળ અને ઉત્કર્ષ મંડળના સંયુક્ત આયોજન હેઠળ ફ્રી મેગા મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન નિરાલી હોસ્પિટલ દ્વારા સ્ત્રી કેન્સર, સ્ત્રી રોગ અને કાર્ડિયક કન્સલ્ટિંગ, રોટરી આઈ હોસ્પિટલ દ્વારા આંખોની તપાસ અને ઓપરેશન, કિડની નિષ્ણાત ડૉ. સુબોધ કાંબલે દ્વારા યુરોલોજી કન્સલ્ટિંગ, ડૉ. આનંદ જી. ચૌહાણ (શ્રીજી ડેન્ટલ કેર એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટર) દ્વારા દંત સારવાર, ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ દ્વારા જનરલ કન્સલ્ટિંગ તેમજ રેડક્રોસ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન અને ટેસ્ટિંગ જેવી વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજમાં સમરસતા અને માનવતાના મૂલ્યો પ્રસરાવવા માટે 9 જેટલા જાતિમુક્ત ભારતના કર્મશીલાઓને “સમતા સન્માન” એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સિસ્ટર વંદના ફ્રાન્સીસ (પ્રિન્સિપાલ, સેન્ટ ફ્રાન્સિસ ઓફ આસીસી કોનોન્ટ હાઈસ્કૂલ), ડૉ. નિરવ પટેલ (ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ), કાંતિલાલ ખત્રી, ડૉ. આર.સી. ધોરાજીયા,ડૉ. સુબોધ કાંબલે,સુબોધચંદ્ર નાયક, પ્રજ્ઞેશ પટેલ,નાનજીભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ભારૂલત્તા કાંબલે, ડૉ. અહમદ હકીમ મોલધરીયા, મધુભાઈ કથિરીયા, સુરેશ પાંડે, વૈશાલી વાટવેચા, સંજયભાઈ સોલંકી, વનરાજભાઈ ભાલિયા, જાહીદ કાજી, હેમલતાબેન વશી, શિલાબેન દેસાઈ, માનસી મકવાણા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાથે સાથે ભારતીય બહુજન હિતાય સંઘ, રચના ટ્રસ્ટ, સમસ્ત આંબેડકર બૌદ્ધ સમાજ, આદિવાસી જનજાગૃતિ સમિતિ, જય ભીમ એક્તા યુવા મંડળ સહિત વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન Dr. B. R. Ambedkar ના વિચારોને યાદ કરતાં “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો”નો સંદેશ પ્રસરાવ્યો હતો. “મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે” જેવા મહાન વિચારોને અનુસરી સમાજમાં શિક્ષણ અને સમાનતાનો સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમમાં નવસારી જિલ્લા નાયબ પોલીસવડા  સંજય રાય સહિતના પોલીસ અધિકારીઓની હાજરી નોંધાઈ હતી. વકીલ યોગેશ જોશીની શાયરી, ગણદેવીના ચિત્રકાર ભરત નાયક દ્વારા બનાવાયેલ ડૉ. આંબેડકરનું જીવંત તૈલચિત્ર અને એન્કર મુનાફભાઈ કાપડિયાનું સંચાલન કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ સ્થળ “જય ભીમ” અને “વંદે માતરમ”ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં સામાજિક સમરસતા, જાતિવાદ મુક્ત ભારત અને શિક્ષિત ભારતના સંદેશને વધુ મજબૂતી મળી હતી.

Back to top button
error: Content is protected !!