
તારીખ :૧૭-૦૪-૨૦૨૬
રિપોર્ટ: યશ માંકડ, પ્રતીક જોશી
સરકારી કાર્યક્રમમાં આવતા ભાજપના વીવીઆઈપી અને વીઆઈપીના આગમન સમયે પ્રોટોકોલની ઐસી તૈસી કરી એરપોર્ટ પર આવકારવા પહોંચી જનાર અને સરકારી કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ સમજી કોઈ પણ સંવિધાનિક હોદ્દો ન હોવા છતાં મંચ ઉપર ચડી બેસનાર ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કરને માઈક મોડો હાથમાં આવતા માઠું લાગી ગયું! આજરોજ ભુજના વોર્ડ નંબર ૮ ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે સંચાલક દ્વારા ચૂકથી પહેલા શહેર પ્રમુખને બદલે ઉમેદવાર અને ત્યારબાદ ભાજપના સિનિયર કાર્યકરોને માઈક થમાવી દેતા મીત ઠક્કરને માઠું લાગ્યું હતું.
માઈક હાથમાં આવતા જ મીત ઠક્કરે ‘પ્રોટોકોલનો ભંગ તો થયો છે પણ…’ કહી પોતાનું વક્તવ્ય શરૂ કરતા મંચસ્થ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના સિનિયર રાજકીય અગ્રણીઓના ભમર ઊંચા ચડી ગયા હતા. ત્યારે શહેર પ્રમુખના આ રવૈયાને લઈ આવનારા દિવસોમાં કંઈક નવા જુની થાય તો નવાઈ નહીં તેવું ત્યાં ઉપસ્થિત ભાજપીઓમાં ગણગણાટ શરૂ થયો હતો.




