
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સુરક્ષા અને મેન્ટેનન્સ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આહવા–ગલકુંડ માર્ગ પર ટાંકલીપાડા ગામ નજીક આવેલા પુલ પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
માહિતી મુજબ, પુલના કોંક્રિટમાંથી અચાનક એક લાંબી લોખંડી એન્ગલ બહાર નીકળી આવી હતી, જેના કારણે રસ્તો ‘ડેન્જર ઝોન’માં ફેરવાઈ ગયો હતો. ખાસ કરીને ઝડપી ગતિએ પસાર થતા વાહનો અને ટુ-વ્હીલર ચાલકો માટે આ એન્ગલ જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ હતી. રાત્રિના અંધારામાં જો કોઈ વાહનચાલકને આ એન્ગલ નજરે ન પડી હોત, તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, આ ઘટના NHAI ની નબળી કામગીરી અને દેખરેખના અભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગોની સુરક્ષા અંગે તંત્રની બેદરકારી સામે આવી છે.
પરંતુ આ સંજોગોમાં ટાંકલીપાડા ગામના જાગૃત યુવાનો દેવદૂત બનીને સામે આવ્યા. જવાબદાર તંત્ર ઊંઘતું રહ્યું ત્યારે યુવાનોએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી, ભારે મહેનત કરીને રસ્તાની વચ્ચે ઉભી થયેલી જોખમી એન્ગલને દૂર કરી દીધી. તેમની સમયસૂચકતાના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી અને અનેક લોકોના જીવ બચ્યા.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જો પુલની હાલત આવી છે, તો વરસાદી મોસમ કે ભારે ટ્રાફિક વખતે મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય નહીં.
સ્થાનિકોએ માંગ કરી છે કે આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર આહવા–ગલકુંડ માર્ગનું તાત્કાલિક સઘન નિરીક્ષણ હાથ ધરવામાં આવે.





