ભ્રષ્ટાચારનો આરોપ લાગતાં ગૃહ મંત્રીનું રાજીનામું !!!

નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે મની લોન્ડરિંગના આરોપી વેપારી દીપક ભટ્ટા સાથેના સંબંધો અને માઇક્રો ઇન્શ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણના આરોપો બાદ રાજીનામું આપ્યું છે. પદ સંભાળ્યાના માત્ર 26 દિવસમાં જ તેમણે આ નિર્ણય લીધો છે. ગુરુંગે જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે અને નૈતિકતાના ધોરણે પદ છોડી રહ્યા છે જેથી તપાસ પ્રક્રિયા પર કોઈ પ્રભાવ ન પડે.
સુધન ગુરુંગ પર લાગેલા આરોપો અત્યંત ગંભીર છે. તેમના પર વિવાદાસ્પદ બિઝનેસમેન દીપક ભટ્ટા સાથે વ્યવસાયિક ભાગીદારી હોવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે દીપક ભટ્ટા પર પહેલેથી જ મની લોન્ડરિંગના આરોપો છે અને તેમની સામે તપાસ ચાલી રહી છે. આ સિવાય માઇક્રો ઇન્શ્યોરન્સ કંપનીઓમાં ગુરુંગના રોકાણોને લઈને પણ પ્રશ્નો ઉભા થયા હતા. જ્યારે તેમણે ગૃહમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની મોટી વાતો કરી હતી, પરંતુ તેમના પોતાના જ અંગત રોકાણોને લઈને થયેલા ઘટસ્ફોટ બાદ તેમની છબીને મોટો ધક્કો લાગ્યો હતો.
નેપાળમાં હાલમાં ‘Gen Z’ આંદોલન જોર પકડી રહ્યું છે, જે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યું છે. આ યુવા આંદોલનના વધતા દબાણ અને વિપક્ષોના વિરોધને કારણે સુધન ગુરુંગ પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેમણે પોતાની ફેબુક પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી સામે લાગેલા આરોપોની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા અને હિતોના સંઘર્ષ (Conflict of Interest) થી બચવા માટે મેં આ નિર્ણય લીધો છે. હું ઈચ્છું છું કે તપાસ પ્રક્રિયા પર મારા પદનો કોઈ પ્રભાવ ન પડે.”
ગુરુંગે પોતાની પોસ્ટમાં નૈતિકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે તેમના માટે પદ કરતા નૈતિકતા અને જનતાનો વિશ્વાસ વધુ મહત્વનો છે. તેમણે તેમના 46 ભાઈ-બહેનોના બલિદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે સરકાર બલિદાનથી બની હોય તેની ગરિમા જાળવવી એ તેમની ફરજ છે. તેમણે જનતાને અપીલ કરી હતી કે અફવાઓ પર ધ્યાન ન આપવું, કારણ કે આરોપ અને સત્યમાં તફાવત હોય છે. તેમણે ખાતરી આપી હતી કે પુરાવાઓના આધારે જે પણ નિર્ણય આવશે તે તેમને મંજૂર રહેશે અને તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરશે.
બાલેન શાહની સરકાર માટે આ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે, કારણ કે સુધન ગુરુંગ આ સરકારના મુખ્ય ચહેરાઓમાંથી એક હતા. હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું છે, ત્યારે સરકાર પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક પગલાં લેવાનું દબાણ વધી ગયું છે. નેપાળની જનતા હવે એ જોવાની રાહ જોઈ રહી છે કે શું આ તપાસ ખરેખર નિષ્પક્ષ રહેશે કે પછી આ માત્ર એક રાજકીય નાટક બનીને રહી જશે.






