
નર્મદા જિલ્લામાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ મતદાર મંડળના ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લામાં યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી માટે તા.26 એપ્રિલ-2026, રવિવારના રોજ મતદાન યોજાનાર છે અને 28 એપ્રિલ-2026, મંગળારે મતગણતરી પ્રક્રિયા યોજાનાર છે.

ચૂંટણી લક્ષી મહત્વની કામગીરીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં તમામ મતદાર મંડળના ચૂંટણ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધ્યાન પર રાખવાની અગત્યની બાબતો, મતદારો અને મતદાન પ્રક્રિયામાં જોડાયેલા અધિકારી-કર્મીઓ માટે રાખવાની કાળજી, ઉનાળાની ઋતુને ધ્યાને લઈ પાણી, છાંયડો અને પ્રાથમિક સારવારની જરૂરિયાત મુજબની દવાઓની ઉપલબ્ધિ, ઈવીએમ સંદર્ભે રાખવાની કાળજી, ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર પર આવતા ફરજ પરના તમામ અધિકારી- કર્મીઓ માટે કરવાની થતી જરૂરી સુવિધાઓ અને મતદાન દરમિયાન ધ્યાને રાખવાની બાબતો અંગે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ પણ આપી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સી.કે.ઉંધાડ એ ચૂંટણી પ્રક્રિયાને લગતી મહત્વની બાબતો અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. મતદાનના આગલા દિવસે અને મતદાનના દિવસ માટેની કમ્યુનિકેશન સિસ્ટમ સુવ્યવસ્થિત ગોઠવી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે બાબતો પર ભાર મૂક્યો હતો. ઉમેદવારોના ખર્ચ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.




