
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રતિબંધ હોવા છતાં દિવસ-રાત ધમધમતું ગેરકાયદેસર ખનન, પર્યાવરણ અને વન્યજીવો પર ગંભીર ખતરો

ડાંગ જિલ્લાના મહાલ નજીક આવેલ સાવરદાકસાડ ગામ પાસે પૂર્ણા નદીમાં રેતી માફિયાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. અભ્યારણ્ય વિસ્તારમાં આવતી આ નદીમાં ખનન પર કડક પ્રતિબંધ હોવા છતાં માફિયાઓ બેધડક રીતે દિવસ-રાત ગેરકાયદેસર રેતી ઉઠાંતરી કરી રહ્યા છે, જે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, રોજબરોજ સૈંકડો ટ્રકો દ્વારા હજારો ટન રેતીની હેરફેર કરવામાં આવી રહી છે. ભારે મશીનો અને જેસીબી દ્વારા નદીના પટમાં ખોદકામ થવાથી પૂર્ણા નદીના કુદરતી પ્રવાહને નુકસાન પહોંચ્યું છે. અભ્યારણ્ય જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતી આ પ્રવૃત્તિ વન્યજીવો અને પર્યાવરણ માટે ઘાતક સાબિત થઈ રહી છે.
ચોંકાવનારી વાત એ છે કે રેતી માફિયાઓ હવે માત્ર રાત્રે જ નહીં, પરંતુ દિવસે પણ ખુલ્લેઆમ ખનન કરી રહ્યા છે. છતાં વન વિભાગ, પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે તંત્રની ભૂમિકા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે—શું અધિકારીઓ અજાણ છે કે પછી જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે?
સ્થાનિક ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો આ ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ નહીં થાય, તો આવનારા સમયમાં પાણીની કટોકટી અને પર્યાવરણનું ગંભીર નુકસાન અનિવાર્ય બની જશે.
પ્રતિબંધિત વિસ્તારમાં આટલા મોટા પાયે ચાલતી ખનન પ્રવૃત્તિ પાછળ કોના આશીર્વાદ છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. દરરોજ સૈંકડો ટ્રકો રસ્તા પરથી પસાર થાય છે, છતાં કોઈ કાર્યવાહી ન થવી તંત્રની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકે છે.
હવે લોકોની માંગ છે કે જવાબદાર વિભાગો તાત્કાલિક સખ્ત પગલાં ભરીને આ કાળા કારોબારને અટકાવે અને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરે. નહીં તો પૂર્ણા નદી અને આસપાસનું પ્રાકૃતિક સંતુલન કાયમ માટે ખોરવાઈ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.





