
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – નજીક નેશનલ હાઈવે – 48 પર ઋતુરાજ હોટલ પાસે બ્રિજમાં ખામી, માર્ગ બંધ કરતાં વાહનચાલકો પરેશાન – ફરી રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડું પડ્યું
બ્રિજના નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા નીચે પડવા લાગ્યા સળિયા બહાર દેખાયા

અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક નેશનલ હાઈવે-48 પર આવેલ બ્રિજમાં અચાનક ગંભીર ખામી સર્જાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ઋતુરાજ હોટલ પાસે આવેલા આ બ્રિજના નીચેના ભાગમાં ક્ષતિ જોવા મળતા સાવચેતીના પગલાંરૂપે તાત્કાલિક અસરથી પુલ ઉપરનો માર્ગ વાહનચાલકો માટે બંધ કરી દીધો છે

માહિતી મુજબ હિંમતનગરથી શામળાજી તરફ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે અને વાહનોને બ્રિજના નીચેના ભાગેથી ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે. આ કારણે મુસાફરોને લાંબા ચક્કર લગાવવા પડી રહ્યા છે અને ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે.સ્થળ પર જોવા મળ્યું હતું કે પુલના નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ખસી પડતા જોવા મળ્યા હતા અને લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા હતા, જેના કારણે પુલની મજબૂતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આવી ખામી સામે આવતા કામની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.દિલ્હીને જોડતા મહત્વના નેશનલ હાઈવે પર આવી પરિસ્થિતિ સર્જાતા મુસાફરો, ટ્રાન્સપોર્ટરો તેમજ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે ફરી એકવાર જિલ્લામાં રોડ-રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની ચર્ચા તેજ બની છે.હાલ સલામતીના પગલાં તરીકે ટ્રાફિકને વિકલ્પ માર્ગો તરફ વાળવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ ખામી અંગે તંત્ર કઈ કાર્યવાહી કરે છે અને માર્ગ ક્યારે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય છે.






