
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૬ એપ્રિલ : કચ્છ જિલ્લામાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતદાન પ્રક્રિયાના નિરીક્ષણને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલે આજરોજ ભુજ શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટર આનંદ પટેલે ભુજના આરટીઓ રિલોકેશન હિન્દી શાળા નંબર ૧૪ ખાતે આવેલા પોલિંગ બૂથની મુલાકાત લીધી હતી. આ મતદાન મથકોની મુલાકાત દરમિયાન કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલે મતદાન મથકો પર ફરજ બજાવતા પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને અન્ય ચૂંટણી કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી તેમજ મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરી વ્યવસ્થાપન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ મતદાતાઓને મતદાન પ્રક્રિયા વખતે કોઈ જ અગવડતા ન પડે તે રીતે કામગીરી કરવા અધિકારી-કર્મચારી ઓને જણાવ્યું હતું. કલેક્ટર આનંદ પટેલે લોકશાહીના આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા સ્થાનિક મતદાતાઓ સાથે પણ આત્મીય સંવાદ સાધ્યો હતો. કલેક્ટર એ મતદાતાઓને મતદાન મથક પરની સુવિધાઓ અને તેમના મતદાનના અનુભવ વિશે પૃચ્છા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર આનંદ પટેલે ભુજ ખાતેથી બેલેટ પેપરથી મતદાન કરીને તેમની પવિત્ર ફરજ નિભાવી હતી. મતદાન મથકોની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કચ્છના મતદાતાઓને લોકશાહીના મૂલ્યોને વધુ સુદઢ અને મજબૂત બનાવવા માટે પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ સહિત ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.












