
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતમાં 8-8ની ટાઈ, આહવામાં કૉંગ્રેસ આગળ છતા સમીકરણ બદલાતા તંગદિલી…
ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા જ અનેક ઠેકાણે ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ છે.ખાસ કરીને ડાંગ જિલ્લાનું ‘માન્ચેસ્ટર’ ગણાતા વઘઇ તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ ભારે રસાકસીભર્યું બન્યું છે.વઘઇ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોના પરિણામો જાહેર થતા ભાજપને 8 અને કોંગ્રેસને 8 બેઠકો મળી છે, જેના કારણે અહીં સત્તા માટે ‘ટાઈ’ની સ્થિતિ સર્જાઈ છે.આ પરિણામોએ બંને પક્ષોની ઉંઘ હરામ કરી દીધી છે અને હવે સત્તાના સૂત્રો કોણ સંભાળશે તે માટે જોરદાર ખેંચતાણ શરૂ થઈ છે.વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વઘઇમાં ટાઈ પડતા જ ‘હોર્સ ટ્રેડિંગ’ કે તોડજોડની આશંકાએ બંને પક્ષો સતર્ક થઈ ગયા છે.કોંગ્રેસે પોતાના તમામ ૮ વિજેતા સદસ્યોને સુરક્ષિત સ્થળે ખસેડીને ‘ભૂગર્ભ’માં ઉતારી દીધા હોવાનું જાણવા મળે છે. ડાંગ જિલ્લા કોંગ્રેસના ચાણક્ય ગણાતા મંગળ ગાવિતે મોરચો સંભાળ્યો છે અને વિજેતા સદસ્યોના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરાવી દીધા છે જેથી કોઈ સંપર્ક ન કરી શકે. સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત અને ડાંગ કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેનાં સંપર્કમાં ભાજપના બે સદસ્યો છે, જેને કારણે કોંગ્રેસ પોતાની સરકાર બનાવવાનો આશાવાદ સેવી રહી છે.બીજી તરફ, ભાજપ પણ પાછળ નથી. ભાજપના ૮ વિજેતા સદસ્યો પણ હાલમાં કોઈના સંપર્કમાં ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીતે આ બાબતનો ઇનકાર કરતા જણાવ્યુ હતુ કે, “વઘઇ તાલુકા પંચાયતનું પરિણામ અમારા માટે ચિંતનનો વિષય છે. ૮-૮ સીટો થતા ટાઈ પડી છે, જે બાબતે અમે ભવિષ્યમાં સમીક્ષા કરીશું. અમારા પ્રતિનિધિઓ ક્યાંય ભૂગર્ભમાં ગયા નથી, તેઓ પોતપોતાના ઘરે જ છે. કોંગ્રેસ ભલે પોતાના સદસ્યોને લઈ ગઈ હોય, પણ ભાજપના ઉમેદવારો અમારી સાથે જ છે.” ભાજપનાં સૂત્રોએ દાવો કર્યો છે કે વઘઇ તાલુકા પંચાયતમાં શાસન તો ભાજપનું જ આવશે. ડાંગ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને વઘઇનાં ચૂંટણી અધિકારી એચ.બી.પટેલનાં જણાવ્યા અનુસાર, પરિણામોમાં ટાઈ પડી હોવાથી સમગ્ર અહેવાલ રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપવામાં આવ્યો છે. ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની તારીખ જાહેર કરવામાં આવશે. નિયમ મુજબ, બેઠકના એક દિવસ પહેલા ફોર્મ ભરવાના રહેશે. જો ફોર્મ ભર્યા બાદ મતદાનમાં પણ બંને પક્ષોને સરખા મત મળે, તો પંચાયત ધારા મુજબ ચિઠ્ઠી ઉછાળીને (લકી ડ્રો દ્વારા) પ્રમુખ,ઉપપ્રમુખ નક્કી કરવામાં આવશે.તો બીજી તરફ આહવા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસની બહુમતી હોવા છતાં પણ સમીકરણો ગૂંચવાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.આહવા તાલુકા પંચાયતના પ્રારંભિક પરિણામોમાં કોંગ્રેસે 9 બેઠકો સાથે બહુમતી તરફ પગલુ ભર્યું હતું, જ્યારે ભાજપને 7 બેઠકો મળી હતી. જોકે, પરિણામ બાદ ઘટેલી ઘટનાઓએ આ સમીકરણને વધુ જટિલ બનાવી દીધું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાવિત દ્વારા પોતાના પક્ષના જીતેલા ઉમેદવારને બદલે તેના સસરાને તાબામાં લેવાના પગલા અને તેના જવાબમાં ભાજપનાં સાંસદ દ્વારા ઉમેદવારને પોતાના સંપર્કમાં લેવાના પ્રયાસો રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે.ખાસ કરીને આહવા તાલુકાની એક બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અંગે ઉઠેલા આક્ષેપો કે તેમને ભાજપ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવાયા એ પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી છે. આ ઘટનાને કારણે હવે કોંગ્રેસ પાસે આહવામાં અસરકારક રીતે 8 સભ્યો જ રહી જવાના દાવા થઈ રહ્યા છે, જેના કારણે અહીં પણ ટાઈની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે પણ દાવો કર્યો છે કે ભાજપના બે ઉમેદવારો તેમના સંપર્કમાં છે. આ પરિસ્થિતિમાં સત્તા સ્થાપવા માટે બંને પક્ષો વચ્ચે ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે.સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર,પરિણામ બાદ ઘટેલી ઘટનાઓએ આ સમીકરણને વધુ જટિલ બનાવી દીધું છે.હાલમાં તો વઘઇ અને આહવામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. એક તરફ રાજકીય ચાણક્યની ચાલ અને બીજી તરફ નસીબનો સાથ—આ બે વચ્ચે વઘઇ તાલુકા પંચાયત અને આહવા તાલુકા પંચાયતનાં સત્તાનું સુકાન કોના હાથમાં જશે, તે જોવું રસપ્રદ રહેશે.





