AHAVADANG

ડાંગની અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટથી સ્થાનિકોને ઘરબેઠા રોજગારી

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

*સ્થાનિક ખેડૂતોના સહયોગથી કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપી વેચાણ શરૂ કરાયુ*

*મંડળી દ્વારા રો કાજુનું સંપૂર્ણ પ્રોસેસિંગ, ગ્રેડિંગથી લઈને પેકિંગ અને શોર્ટિંગ કરી સ્થાનિક કક્ષાથી વેચાણ*

ડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલા જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ, ફુલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ ઉત્પાદન તથા કાજુ પ્રોસેંસિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ મંડળી થકી ડાંગ જિલ્લાના લોકો કાજુની ખેતી તરફ વળ્યાં છે, અને ધર આંગણે રોજગારી મેળવતાં પણ થયા છે. જામલાપાડા ખાતે આવેલી અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડુતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે. સાથે જ અહિં કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના પણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૦ ની સાલમાં આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી.મંડળીના સેક્રેટરી ચિંતુભાઇ ગાવિત જણાવે છે કે, જામલાપાડા વિસ્તારમાં શરૂઆતમા બાયફ સંસ્થા દ્વારા ૧૮ ગ્રામ્ય વિસ્તારોમાં વાડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગામ દીઠ એક એકર જમીનમાં ૪૦ કાજુના રોપા ઉછેરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ મંડળીની સ્થાપના કરવામાં આવી, અને કાજુ વેચાણ શરૂ કરવામાં આવ્યું. સાથે જ અહિં કાજુ પ્રોસેસિંગ યુનિટ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ મંડળી દ્વારા બજારના સક્ષમ ભાવો પ્રમાણે ખેડુતો પાસે થી રો કાજુની ખરીદી કરી તેનું પ્રોસેસિંગ કરી મંડળી મારફત વેચાણ કરવામાં આવે છે. અહિં કાજુ પ્રોસેસિંગ દરમિયાન સ્થાનિક મહિલાઓને રોજગારી પણ ઘરબેઠાં પુરી પાડવામાં આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે, ૮ થી ૯  મહિના સુધી સતત કાજુ પ્રોસેસિંગ ચાલુ હોઈ, ગામની મહિલાઓને બહારગામ રોજીરોટી માટે જવુ પડતું નથી. તેઓ પોતાના કામ સિવાય પણ ઘરબેઠાં ગામમાં જ રોજગારી મેળવી રહ્યાં છે. તેઓને બાગાયત વિભાગમાંથી શોર્ટિગ, ગ્રેડિંગ સાધનોમાં ૯૦ ટકા સબસીડી મળી છે. તો પ્રોસેસિંગના સાધનોમાં ૭૫ ટકા સબસીડી આપવામાં આવી છે.

અંબિકા બાગાયત મંડળીમાં કામ કરતાં શ્રીમતી ઉર્મિલાબેન સતિષભાઇ રાઠોડ જણાવે છે કે, તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી આ મંડળીમાં કામ કરી રહ્યાં છે. સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળવાના કારણે તેઓને બહારગામ જવું પડતું નથી. ઉપરાતં તેઓ ઘરના કામ સાથે મંડળીમાં પણ કામ કરી રહ્યા છે.

શ્રીમતી બેબીબેન ઠાકરે જણાવે છે, કે તેઓના ગામમાં જ સરકાર દ્વારા મંડળીની સ્થાપના કરવામાં આવતાં, તેઓ ઘર આંગણે જ મંડળીમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, બાગાયત વિભાગ દ્વારા જામલાપાડા ગામે કાજુના વેલ્યુ એડિશનનું આ અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યુ છે. અહિં કાજુના ગ્રેડિંગ, પેકિંગ, શોર્ટિંગ અને પ્રોસેસિંગ કરીને વઘઇ-સાપુતારા આવતાં પ્રવાસીઓ, તેમજ અન્ય લોકોને કાજુનું વેચાણ કરવામાં આવે છે. સાથે જ સ્થાનિક ખેડુતોને પણ બજાર સક્ષમ ભાવ આપવામાં આવે છે. મંડળી દ્વારા વાર્ષિક રૂ.૫૦ લાખ જેટલું ટર્ન ઓવર કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, ૧ અને ૨ મે ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ સુરત ખાતે યોજાનાર છે. જેનાથી પણ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને નવું પ્લેટફોર્મ મળશે. સાથે તેમના ઉત્પાદનોને એક વૈશ્વિક માર્કેટ મળવાની તકો પણ ખુલશે.

Back to top button
error: Content is protected !!