ભરૂચ: ઉનાળો આકરો બનતા હિટ સ્ટ્રોકના કેસમાં 20%નો વધારો,ખાસ તકેદારી રાખવા તબીબોની સલાહ



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ઉનાળો આકરો બનતા સિવિલ હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના કેસમાં 20 ટકાનો વધારો થયેલો જોવા મળ્યો છે.આવા સમયે ખાસ તકેદારી રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે.
ભરૂચમાં અંગ દાઝડતી ગરમી, તાપમાનનો પારો 42 ડીગ્રી પાર, હિટ સ્ટ્રોકના કેસમાં વધારો, હિટ સ્ટ્રોકના 20 ટકા કેસ વધ્યા, તકેદારી રાખવા તબીબોની સલાહ
ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચતા હિટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોમાં હિટ સ્ટ્રોકના દર્દીઓમાં અંદાજે 20 ટકા જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યો છે.
સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. વિશ્વ ઉનડકટે માહિતી આપતાં જણાવ્યું હતું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડે છે.તબીબોએ લોકોને સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડા પહેરવા. સાથે જ માથું ઢાંકી રાખવું પણ જરૂરી ગણાવવામાં આવ્યું છે.
હિટ સ્ટ્રોકના લક્ષણોમાં આંખે અંધારા આવવા, મોઢું સુકાવું, શરીરનું તાપમાન વધી જવું અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા મજૂરોને વધુ તકેદારી રાખવાની અપીલ કરી છે, કારણ કે આ વર્ગના લોકો ગરમીથી વધુ પ્રભાવિત થાય છે.




