MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તંત્રની ક્રૂરતા: સિલિકોસિસ પીડિત મજૂરો સહાયનું પ્રમાણપત્ર લેવા ગયા અને પાલિકાએ ‘વ્યવસાય વેરો’ માંગ્યો!

MORBI:મોરબી તંત્રની ક્રૂરતા: સિલિકોસિસ પીડિત મજૂરો સહાયનું પ્રમાણપત્ર લેવા ગયા અને પાલિકાએ ‘વ્યવસાય વેરો’ માંગ્યો!

 

સહાય માટે પ્રમાણપત્ર લેવા આવેલા સીલીકોસીસ પીડિત અસંગઠિત મજૂરોને મોરબી મહાનગરપાલિકાએ વ્યવસાય વેરો ભરવા કહ્યું

 

મોરબીના સીલીકોસીસ પીડિત અસંગઠિત મજૂરો આજે ગંભીર બીમારી, ગરીબી અને કચેરીઓના ધક્કા — ત્રણેય સાથે લડી રહ્યા છે. વર્ષો સુધી ધૂળ, પાઉડર અને જોખમી વાતાવરણમાં મજૂરી કર્યા પછી જ્યારે તેમને સારવાર અને જીવનનિર્વાહ માટે સહાયની જરૂર છે, ત્યારે “વ્યવસાય અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર” ના નામે તેમની અરજીઓ અટકાવવામાં આવી રહી છે.

સીલીકોસીસ પીડિતોએ તા. 31/01/2026ના રોજ મોરબી મહાનગરપાલિકા ખાતે વ્યવસાય અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી. ત્યારબાદ મોરબી મહાનગરપાલિકાએ તા. 28/04/2026ના રોજ પત્ર નં. MRMC/1201/04/2026, MRMC/1204/04/2026, MRMC/1205/04/2026 તથા MRMC/1206/04/2026 દ્વારા જવાબ આપ્યો હતો. મદદનીશ શ્રમ અધિકારી કચેરી, મોરબી ખાતે પણ સીલીકોસીસ પીડિતોની અરજીઓ છેલ્લા અંદાજે 3 મહિનાથી પેન્ડિંગ છે.

આ પીડિતો કોઈ દુકાનદાર, વેપારી કે રજીસ્ટર્ડ વ્યવસાય ધરાવતા નથી. તેઓ મોરબીમાં અલગ-અલગ જગ્યાએ અસંગઠિત રીતે મજૂરી કરતા ગરીબ કામદારો છે. તેમની પાસે પગાર સ્લીપ, PF/ESIC, કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર કે કામના કાગળો નથી. અસંગઠિત મજૂરોનું જીવન જ કાગળ વગરનું હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની બીમારી કે હક ખોટા છે.

મદદનીશ શ્રમ અધિકારી કચેરી દ્વારા પીડિતોને મહાનગરપાલિકા પાસે મોકલવામાં આવ્યા હતા. તે મુજબ પીડિતોએ મહાનગરપાલિકા ખાતે અરજી કરી હતી. રૂબરૂ રજૂઆત દરમિયાન ડેપ્યુટી કમિશનરશ્રીને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ સીલીકોસીસ પીડિતો અસંગઠિત મજૂરો છે અને તેમની પાસે કામ કર્યાના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. તેમ છતાં મહાનગરપાલિકાએ પોતાના તા. 28/04/2026ના જવાબમાં વ્યવસાય વેરો ભરવા અથવા PEN/PRN નંબર રજૂ કરવા જણાવ્યું છે.

સીલીકોસીસથી પીડાતા ગરીબ અસંગઠિત મજૂર પાસે આવા પુરાવા ક્યાંથી આવે?

જે મજૂર દુકાનદાર નથી, વેપારી નથી, રજીસ્ટર્ડ વ્યવસાય ધરાવતો નથી — તેને વ્યવસાય વેરો ભરવાનું કહેવું પીડિતોને સહાયથી વંચિત રાખવા સમાન છે.

એક કચેરી બીજી કચેરી તરફ ધકેલે છે અને આ વચ્ચે પીડિતોના શ્વાસ ધીમે ધીમે અટકી રહ્યા છે. આ વિલંબ માત્ર વહીવટી મુદ્દો નથી, આ માનવ જીવનનો પ્રશ્ન છે. એક સીલીકોસીસ પીડિતનું તો મહાનગરપાલિકાના તા. 28/04/2026ના જવાબ પહેલાં જ તા. 04/04/2026ના રોજ સીલીકોસીસના કારણે મૃત્યુ થઈ ગયું. જીવતા માણસને સમયસર સહાય ન મળી અને હવે તેના પરિવારને ન્યાય માટે કચેરીઓના દરવાજા ખખડાવવા પડે છે — આ પરિસ્થિતિ અત્યંત દુઃખદ અને અમાનવીય છે.

સીલીકોસીસ પીડીત સંઘની સ્પષ્ટ માંગ છે કે “વ્યવસાય અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર” ન હોવાના નામે સીલીકોસીસ પીડિતોની અરજીઓ અટકાવવામાં ન આવે. પીડિતોની તબીબી સ્થિતિ, સ્થાનિક તપાસ, સ્વઘોષણા અને સંઘના પ્રમાણના આધારે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!