
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે શેરડી કાપણીનાં શ્રમિકોની હુંકાર:- ૧ મે એટલે કે ‘આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ’ અને ‘ગુજરાત સ્થાપના દિવસ’નાં પાવન અવસરે ડાંગ જિલ્લામાં શ્રમિકોના હક્કો અને અધિકારોના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના સુબિર ખાતે ‘મજૂર અધિકાર મંચ’ દ્વારા આયોજિત આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે મજદૂર દિવસની ઉજવણીમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ બેઠકમાં ખાસ કરીને ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર જેવા અંતરિયાળ તાલુકાઓમાંથી અંદાજે ૨૦૦ થી ૨૫૦ જેટલા શેરડી કાપણી મજૂરો અને અન્ય શ્રમિકો ઉત્સાહભેર સામેલ થયા હતા. મજૂર અધિકાર મંચના નેજા હેઠળ એકત્ર થયેલા આ મજૂરોએ પોતાના પડતર પ્રશ્નો, વેતન વધારો અને કામના સ્થળે મળતી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.બેઠક દરમિયાન મંચના હોદ્દેદારો દ્વારા મજૂરોને તેમના કાયદેસરના અધિકારો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સંગઠિત થઈને અન્યાય સામે લડવા માટે હાકલ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાનો મોટો વર્ગ દર વર્ષે શેરડી કાપણી માટે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં અને મહારાષ્ટ્ર તરફ સ્થળાંતર કરતો હોય છે. આ કપરી પરિસ્થિતિમાં મજૂરોનું શોષણ ન થાય અને તેમને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે તે હેતુથી આ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. ૧ મે ના રોજ યોજાયેલી આ બેઠકે ડાંગના શ્રમિકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, જ્યાં મજૂરોએ એકસૂત્રે પોતાના હક માટે અવાજ બુલંદ કર્યો હતો..





