નવસારીમાં સી.આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ:અહંકાર છોડો, શિસ્ત અપનાવોની કડક ચેતવણી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય ઉત્સવ ભવ્યતા સાથે ઉજવાયો, જ્યાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં બી.આર. ફાર્મ ખાતે વિશાળ સમારોહ યોજાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો મેળવતા અને ગત ચૂંટણીની સરખામણીએ વધુ મતલીડ સાથે ભવ્ય જીત નોંધાવતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ જિલ્લા પ્રભારી શંકરભાઈ , જિલ્લા ચૂંટણી અધ્યક્ષ અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત પ્રદેશ કારોબારી સભ્યો, જિલ્લા મહામંત્રીઓ, મંડળ અને જિલ્લાનાં હોદ્દેદારો તેમજ વિજેતા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિજય ઉત્સવના ભાગરૂપે સર્કિટ હાઉસથી સભા સ્થળ સુધી ભવ્ય બાઈક રેલી યોજાઈ, જેમાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ઉમેદવારોનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારીની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ભાજપના શાનદાર પ્રદર્શનને લઈ સમગ્ર જિલ્લામાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો.
આ અવસરે સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કડક સંદેશ આપ્યો કે જીત બાદ અહંકારને સ્થાન ન આપવું જોઈએ. “હું જ જીતાડું છું” જેવા ભ્રમમાંથી બહાર આવી પક્ષપ્રતિ પ્રતિબદ્ધતા સાથે સેવા આપવાની જરૂર છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે ભાજપમાં શિસ્ત સર્વોપરી છે અને શિસ્તભંગ સહન નહીં કરવામાં આવે.
વિપક્ષ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે જનતા હવે ખોટી રાજનીતિ, ધમકીભરી ભાષા અને સ્વાર્થ માટે કામ કરનારા નેતાઓને નકારી રહી છે. વાંસદા તાલુકાના ઉનાઈ વિસ્તારમાં પણ ભાજપને નોંધપાત્ર લીડ મળવી એ જનવિશ્વાસનું પ્રતિબિંબ છે. જનતાએ વિકાસના માર્ગને પસંદ કરી ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં અદભૂત ઉત્સાહ અને શિસ્તનો અભિપ્રાય જોવા મળ્યો હતો. ભાજપના નેતાઓએ આ જીતને જનતાના વિશ્વાસનો પરિચય ગણાવી, વિકાસના માર્ગ પર વધુ ગતિથી આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




