KUTCHMUNDRA

TAT-S પરીક્ષાના ઉમેદવારોની કાળઝાળ ગરમીમાં કસોટી – મુખ્યમંત્રીશ્રી હસ્તક્ષેપ કરે તેવી ઉગ્ર માંગ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

TAT-S પરીક્ષાના ઉમેદવારોની કાળઝાળ ગરમીમાં કસોટી – મુખ્યમંત્રીશ્રી હસ્તક્ષેપ કરે તેવી ઉગ્ર માંગ

 

અમદાવાદ, તા. 3:

આજે જ્યારે આખું ગુજરાત હીટવેવની લપેટમાં છે ત્યારે અમદાવાદ ખાતે યોજાઈ રહેલી TAT-S (માધ્યમિક) ની પરીક્ષાના આયોજને તંત્રની સંવેદનહીનતા છતી કરી છે. સરકાર એક તરફ લોકોને બપોરે ૧૧ થી ૩ વાગ્યા સુધી બહાર ન નીકળવાની એડવાઈઝરી આપે છે તો બીજી તરફ હજારો ઉમેદવારોને આ જ કાળઝાળ ગરમીમાં પરીક્ષા કેન્દ્રો પર બોલાવી વિરોધાભાસી નીતિ અપનાવી રહી છે.

કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારોથી આવેલા ઉમેદવારો અને વાલીઓની સ્થિતિ અત્યંત દયનીય છે. પરીક્ષા કેન્દ્ર પર ૩૦ મિનિટ અગાઉ પ્રવેશ ન આપવાની જડ નીતિને કારણે ઉમેદવારો અને વૃદ્ધ વાલીઓએ ધોમધખતા તાપમાં રસ્તા પર પાણી કે છાંયડા વગર ઉભા રહેવું પડે છે. શું ભવિષ્યના શિક્ષકો સાથેનો આ વ્યવહાર ઉચિત છે?

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રીશ્રીઓને હજારો ઉમેદવારો વતી નમ્ર વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે. આપશ્રીના વહીવટમાં માનવીય અભિગમ હંમેશા સર્વોપરી રહ્યો છે ત્યારે આજની પરીક્ષામાં ઉમેદવારો અને વાલીઓને કેન્દ્રમાં વહેલો પ્રવેશ મળે અને ત્યાં પીવાના પાણી તથા બેસવા માટેની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે તાકીદના આદેશો આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી છે.

જો વ્યવસ્થામાં સુધારો નહીં થાય તો શિક્ષિત ઉમેદવારો અને તેમના પરિવારોમાં વ્યાપેલો આ રોષ આગામી સમયમાં લોકશાહીના પર્વમાં ચોક્કસપણે પ્રતિબિંબિત થશે. તંત્ર માત્ર કાગળ પરની સૂચનાઓ પાળવાને બદલે જમીની હકીકત સમજીને સંવેદનશીલ બને તે અનિવાર્ય છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!