કેનેડાની ગુપ્તચર એજન્સી CSISએ ભારતનું નામ જાસૂસોની યાદીમાં નાખ્યું

કેનેડાની ગુપ્તચર એજન્સી ‘કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ’ (CSIS) એ તેના વર્ષ 2025 ના જાહેર અહેવાલમાં ભારતને જાસૂસી અને વિદેશી દખલગીરી કરનારા દેશોની યાદીમાં મૂકીને ફરી એકવાર વિવાદ છેડ્યો છે. જોકે, આ રિપોર્ટમાં કેનેડાની પોતાની સુરક્ષા એજન્સીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને ખાલિસ્તાની આતંકવાદ પ્રત્યેની કુણી લાગણી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે માર્ચ 2026 માં જ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના કમિશનર માઈક ડુહેમે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, ભારત સરકારના એજન્ટો કેનેડામાં કોઈ ગુપ્ત કે હિંસક પ્રવૃત્તિમાં સામેલ હોય તેવા કોઈ પણ પુરાવા તપાસમાં મળ્યા નથી. એક તરફ પોલીસ કહે છે કે પુરાવા નથી, બીજી તરફ ગુપ્તચર એજન્સી ભારતને ચીન અને રશિયા જેવા દેશોની હરોળમાં મૂકે છે, જે કેનેડાના પ્રોપેગન્ડાને ખુલ્લો પાડે છે.
રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ ભંડોળ ઉઘરાવવા અને હિંસાના આયોજન માટે કરી રહ્યા છે. તેમ છતાં, કેનેડાએ પોતાના જૂના વલણને દોહરાવતા કહ્યું છે કે “શાંતિપૂર્ણ રીતે ખાલિસ્તાનની વકાલાત કરવી એ કેનેડામાં એક કાયદેસરની રાજકીય પ્રવૃત્તિ છે”. આતંકવાદી ગતિવિધિઓને રાજકીય પ્રવૃત્તિ ગણાવીને કેનેડા આડકતરી રીતે ભારત વિરોધી તત્વોને આશરો આપી રહ્યું હોય તેમ જણાય છે.
એજન્સીએ એવો દાવો કર્યો છે કે ભારતે કેનેડાના નેતાઓ અને પત્રકારો સાથે ગુપ્ત સંબંધો બનાવવાની કોશિશ કરી છે. જોકે, ભારત સરકારે અગાઉ પણ આવા આક્ષેપોને પ્રેરિત અને પુરાવા વગરના ગણાવીને ફગાવી દીધા છે. ભારત હંમેશા કેનેડાની આંતરિક સુરક્ષા અને સાર્વભૌમત્વનું સન્માન કરતું આવ્યું છે, પરંતુ કેનેડા સતત વોટબેંકની રાજનીતિ માટે ભારતને નિશાન બનાવી રહ્યું છે.
રિપોર્ટમાં એર ઈન્ડિયા ફ્લાઈટ 182 ના બોમ્બ ધડાકા (જેમાં 329 લોકો માર્યા ગયા હતા) ની 40મી બરસીનો ઉલ્લેખ છે અને સ્વીકાર્યું છે કે તેમાં કેનેડા સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામેલ હતા. આટલી મોટી આતંકવાદી ઘટનાના તાર પોતાની ધરતી સાથે જોડાયેલા હોવા છતાં, કેનેડા આજે પણ ખાલિસ્તાની મુવમેન્ટને ‘ચોક્કસ મર્યાદા’ માં સુરક્ષિત માને છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.





