
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીતને પગલે રાજકીય ઉત્સાહ અને જનઉમંગનો માહોલ સર્જાયો હતો.વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના પ્રભાવશાળી પ્રદર્શનથી દેશભરમાં આનંદની લહેર ફેલાઈ છે, જેના પડઘા ડાંગ જિલ્લામાં પણ ગૂંજી ઉઠ્યા હતા.પશ્ચિમ બંગાળમાં ભાજપે નોંધાવેલી અભૂતપૂર્વ સફળતા અને વર્ષોથી ચાલતા રાજકીય સમીકરણોમાં આવેલા પરિવર્તનને કાર્યકર્તાઓએ “પરિવર્તનનો પ્રચંડ જનમત” ગણાવ્યો હતો. સાથે જ પુંડુચેરી અને આસામમાં ભાજપની મજબૂત જીતે કોંગ્રેસને કડક પડકાર આપતા ત્રણેય રાજ્યોમાં ‘કમળ’ ખીલી ઉઠ્યું હોવાનું જણાવાયુ હતુ.આ ઐતિહાસિક સફળતાને કાર્યકર્તાઓએ ‘હેટ્રિક વિજય’ તરીકે બિરદાવી હતી.વઘઈ ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય વિજયોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી અને દેશભક્તિના નારા સાથે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. “વંદે માતરમ” અને “જય શ્રી રામ”ના જયઘોષથી સમગ્ર વઘઇ વિસ્તાર દેશપ્રેમ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો.આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહિત ધર્મેશ પટેલ, પંકજ પટેલ, વ્યાપારી આગેવાન સુભાષભાઈ બોરસે, સુરેશભાઈ કાંજીયા, મયુરભાઈ પટેલ, બિપીનભાઈ રાજપૂત તેમજ સંદીપભાઈ સુરતી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ આ જીતને પ્રધાનમંત્રીના સશક્ત નેતૃત્વ, વિકાસલક્ષી નીતિઓ અને જનકલ્યાણકારી યોજનાઓ પર જનતાના મજબૂત વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું હતુ.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો..





