THARADVAV-THARAD

થરાદમાં રાજકીય તોફાન : આવેદનપત્ર આપવા જતી મહિલા કાર્યકરોને પોલીસે રોકતા ઉગ્ર બોલાચાલી!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વિવાદિત નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવતા ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.

વિવાદનું કેન્દ્ર વિશ્વકર્માના “અમે પલ્લુમાંથી સીટો ખેંચી લાવીશું” નિવેદનને લઈને બન્યું, જેને કોંગ્રેસે મહિલા શક્તિનું અપમાન ગણાવ્યું છે. બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં યોજાયેલી આ રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

રેલી દરમિયાન રેફરલ ત્રણ રસ્તા પાસે કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા અને વિશ્વકર્માના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમયસર હસ્તક્ષેપ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે રકઝક સર્જાઈ હતી, જેના કારણે થોડો સમય તણાવપૂર્ણ માહોલ રહ્યો હતો.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે નિવેદનને “સ્ત્રીત્વનું અપમાન” ગણાવી કહ્યું કે લોકશાહીમાં આવી ભાષા ક્યારેય સહન નહીં થાય.

બીજી તરફ કોંગ્રેસ આગેવાનોએ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરો સાથે ગેરવર્તન થયાનો આરોપ લગાવી કાર્યકરો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Back to top button
error: Content is protected !!