KUTCHMUNDRA

રક્તના ટીપે-ટીપે જીવંત રહેશે સ્મૃતિ: સવની ગામે સ્વ. નરસિંહભાઈ ઝાલાની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન અને નિદાન કેમ્પ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ

137 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી; નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં સેવાનો લાભ લેતા ગ્રામજનો

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

રક્તના ટીપે-ટીપે જીવંત રહેશે સ્મૃતિ: સવની ગામે સ્વ. નરસિંહભાઈ ઝાલાની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન અને નિદાન કેમ્પ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ

 

137 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી; નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં સેવાનો લાભ લેતા ગ્રામજનો

 

ગીર સોમનાથ, તા. 7:

ગીર સોમનાથ જિલ્લાના સવની ગામ ખાતે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમ સંપન્ન થયો હતો. ગ્રામ પંચાયત અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સ્વ. નરસિંહભાઈ ઝાલાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ‘મહારક્તદાન’ અને ‘ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સવની ગામ તેમજ આજુબાજુના ગ્રામજનોએ બે મિનિટનું મૌન પાળી સ્વ. નરસિંહભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તબીબી સેવાનો ધોધ વહ્યો:

આ કેમ્પમાં ડૉ. રવિભાઈ ઝાલા અને ડૉ. સ્મિત યાદવની નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં તાવ, શરદી-ઉધરસ જેવા સામાન્ય રોગોથી લઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનું ઝીણવટભર્યું નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બ્લડપ્રેશર અને ડાયાબિટીસના નવા કેસો શોધી કાઢી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવતા આરોગ્ય તપાસણી અભિયાન સફળ રહ્યું હતું.

137 યુનિટ રક્ત એકત્રિત:

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વિશેષ સહયોગથી યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં અતુલભાઈ કાનાબાર, ગીરીશભાઈ ઠક્કર અને કિરીટભાઈ ઉનડકરની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં યુવાનો અને ગ્રામજનોએ ભારે ઉત્સાહ બતાવતા કુલ 137 બેગ રક્ત એકત્રિત થયું હતું. રક્તદાતાઓના આ ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું અને તેમની આ સેવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની હતી.

સામૂહિક સહયોગથી કેમ્પ સફળ:

સ્વ. નરસિંહભાઈ ઝાલાની સ્મૃતિમાં યોજાયેલા આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સમસ્ત સવની ગામ અને શ્રી જ્ઞાનદીપ વિદ્યામંદિરના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગામના એક આદર્શ વ્યક્તિત્વને પુષ્પોને બદલે રક્તદાન અને જનસેવા દ્વારા શ્રદ્ધાંજલિ આપવાના આ નવતર અભિગમને સમગ્ર પંથકમાં પ્રશંસા મળી રહી છે. એવું સવનીના સેવાભાવી કાર્યકર સુધીર લખમણભાઇ ઝાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!