IIM-અમદાવાદ ખાતે SDG-5 ‘જેન્ડર ઇક્વાલિટી’ પર રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો, મહિલા સશક્તીકરણ માટે સહકારાત્મક અભિગમ પર ભાર

રિપોર્ટર
હિતેન્દ્રગીરી ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સ્થિત IIM-અમદાવાદ ખાતે નીતિ આયોગ દ્વારા સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 ‘જેન્ડર ઇક્વાલિટી’ વિષયક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મહિલા સશક્તીકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ, ડેટા આધારિત નીતિ અમલીકરણ અને લિંગ સમાનતા માટે કેન્દ્રથી લઈને સ્થાનિક સ્તર સુધી સંકલિત પ્રયાસોની જરૂરિયાત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
દેશના વિવિધ રાજ્યોમાંથી નીતિ નિર્માતાઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો અને મહિલા વિકાસ સાથે જોડાયેલા અધિકારીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા વિકાસ માટે ટેકનોલોજી આધારિત અભિગમ અને નીતિઓના અસરકારક અમલીકરણ અંગે વિચારોની આપલે કરવામાં આવી હતી.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ સાથે જોડાયા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ડેટા આધારિત નીતિઓ અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. રિયલ-ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ, ડિજિટલ ફરિયાદ નિવારણ પોર્ટલ અને જિલ્લા સ્તરના સૂચકાંકો દ્વારા સરકારની યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે.
તેમણે ઉમેર્યું હતું કે દેશમાં મહિલાઓની શ્રમશક્તિમાં વધારો, સ્વસહાય જૂથોની સફળતા અને ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ જેવી પહેલો મહિલા કેન્દ્રિત વિકાસના મજબૂત આધારસ્તંભ બની રહી છે. મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે નીતિ ઘડતર અને પાયાના સ્તરે અમલીકરણ વચ્ચેનું અંતર દૂર કરવું જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલે જણાવ્યું હતું કે જાતીય સમાનતા માત્ર સામાજિક મુદ્દો નથી, પરંતુ તે ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સાથે સીધો સંબંધ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે મહિલાઓને વિકાસની મુખ્ય ધારા સાથે જોડીને જ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય છે.
તેમણે ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તીકરણ માટે કરવામાં આવેલા વિવિધ પ્રયાસોની માહિતી આપતા જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્ય સરકારે જેન્ડર બજેટ અંતર્ગત રૂ. 1.62 લાખ કરોડની ફાળવણી કરી છે, જે રાજ્યના કુલ બજેટના આશરે 39.94 ટકા જેટલી છે.
મહિલા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ઉપલબ્ધિઓ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે માતૃત્વ સુરક્ષા હેઠળ પ્રસૂતિ સહાયનું કવરેજ 8.9 ટકાથી વધીને 97.7 ટકા સુધી પહોંચ્યું છે, જ્યારે સંસ્થાકીય પ્રસૂતિનો દર 99.94 ટકા નોંધાયો છે. શૈક્ષણિક ક્ષેત્રે માધ્યમિક શિક્ષણમાં ‘જેન્ડર પેરિટી ઇન્ડેક્સ’ 1.02 સુધી પહોંચ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત મહિલા સ્વસહાય જૂથો માટે ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ લિંકેજ 40 ટકાથી વધીને 91.93 ટકા સુધી પહોંચ્યું હોવાનું અને જનધન ખાતાઓમાં મહિલાઓની ભાગીદારી 51 ટકાથી વધુ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડૉ. મનીષા વકીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલા ‘બેટી બચાવો, બેટી પઢાવો’, ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા અભિયાનોને સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ પ્રયાસોને વધુ વેગ મળ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસે જણાવ્યું હતું કે SDG-5ના લક્ષ્યો હાંસલ કરવા માટે કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે સંકલિત સહયોગ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે એકબીજાના સફળ મોડલ્સમાંથી શીખીને તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકવાથી દેશ ઝડપી ગતિએ લિંગ સમાનતા તરફ આગળ વધી શકે છે.
તેમણે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં મહિલાઓ માટે હાથ ધરાયેલી પહેલોને પ્રેરણાદાયી ગણાવી હતી અને ‘નારી ગૌરવ શક્તિ’ જેવા અભિગમોની પ્રશંસા કરી હતી. મહિલાઓની વધતી ભાગીદારી દેશના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન SDG-5 સંબંધિત વિશેષ રિપોર્ટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. UNRCના કો-ઓર્ડિનેટર સ્ટીફન પ્રિસ્નર, નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર અન્ના રોય, IIM-અમદાવાદના ડિરેક્ટર પ્રો. ભરત ભાસ્કર અને પ્રો. વિદ્યા વેમીરેડ્ડીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા.
વર્કશોપના અંતે મહિલા સશક્તીકરણ અને જાતીય સમાનતા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને નાગરિક સમાજ વચ્ચે વધુ સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું સર્વસંમતિથી વ્યક્ત કરવામાં આવ્યું હતું.













