નવસારી જિલ્લાના મટવાડ પોલીટેકનિકમાં ધો.૧૦ પછી ડિપ્લોમા પ્રવેશ માટે માર્ગદર્શન કેમ્પ યોજાશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ACPDCના તજજ્ઞો વિદ્યાર્થીઓને આપશે કારકિર્દી અને બ્રાન્ચ પસંદગી અંગે માર્ગદર્શન
નવસારી જિલ્લાના મટવાડ ખાતે આવેલી સરકારી પોલીટેકનિક કોલેજ દ્વારા ધોરણ-૧૦ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદગી અને પ્રવેશ પ્રક્રિયા અંગે સચોટ માહિતી મળી રહે તે હેતુથી આ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે.
સરકારી પોલીટેકનિક નવસારી દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદી મુજબ, આ માર્ગદર્શન કાર્યક્રમ તા. ૧૩ મે ૨૦૨૬ (બુધવાર) અને તા. ૧૬ મે ૨૦૨૬ (શનિવાર) ના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમ મટવાડ ગામ, દાંડી રોડ, નવસારી ખાતે આવેલી સરકારી પોલીટેકનિક કોલેજના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના કોમ્પ્યુટર સેન્ટર (રૂમ નં. સી-૧૦૮) ખાતે યોજાનાર છે.
કાર્યક્રમ દરમિયાન એ.સી.પી.ડી.સી. (ACPDC) ના તજજ્ઞ અધિકારીઓ દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા, ઓનલાઇન રજિસ્ટ્રેશન, મેરિટ સિસ્ટમ, વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચોની પસંદગી તેમજ ભવિષ્યમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાની રુચિ અને ક્ષમતાનુસાર યોગ્ય ક્ષેત્ર પસંદ કરવામાં પણ માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓને પણ ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી તેઓ પોતાના સંતાનોના ભવિષ્ય માટે યોગ્ય અને માહિતીસભર નિર્ણય લઈ શકે. કોલેજના આચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ-૧૦ પછી ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ માર્ગદર્શન સત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.




