
નર્મદા : “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ” વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળા અને સમીક્ષા બેઠકનો પ્રારંભ
રાજપીપળા : જુનેદ ખત્રી
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના કેવડિયા(એકતાનગર) ખાતે “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ” વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના હિતધારકો તેમજ વિષય નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. દેશભરમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટકાઉ અને અનુભૂતિ આધારિત પ્રવાસન સ્થળોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કાર્યશાળાનો પ્રારંભ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ તથા મહાનિર્દેશક સુમન બિલ્લાના પ્રારંભિક ઉદ્બોધનથી થયો હતો. ત્યારબાદ પ્રવાસન મંત્રાલયના સચિવ ભૂવનેશ કુમારે ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા.

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કાર્યશાળાની અધ્યક્ષતા સંભાળી ભારતના પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસન આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકાર સતત સહયોગ આપતી રહેશે, પરંતુ વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળોના સંયુક્ત દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ સંકલિત આયોજન, ગંતવ્ય વ્યવસ્થાપન, વ્યવસાય સુગમતા, ટકાઉ વિકાસ અને હિતધારકોની સક્રિય ભાગીદારી દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવું આવશ્યક છે.

કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પણ ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા અને ભારતના પ્રવાસન પરિતંત્રને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે સહયોગાત્મક પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
કાર્યશાળાના મહત્વપૂર્ણ સત્ર દરમિયાન પ્રવાસન મંત્રાલયના સંયુક્ત સચિવ (ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ વિભાગ) સુવાશિષ દાસ દ્વારા “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ” વિષયક કન્સેપ્ટ નોટ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલિત ગંતવ્ય આયોજન, પ્રવાસન આધારભૂત સુવિધાઓ, ટકાઉ વિકાસ, ગંતવ્ય વ્યવસ્થાપન તથા પ્રવાસીઓના અનુભવમાં ગુણાત્મક વધારો જેવા વિષયો પર ચર્ચા યોજાઈ હતી.
કાર્યશાળામાં એકતા નગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ મોડલ અંગે ચેરમેન મુકેશ પુરી દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં સંકલિત આયોજન, પ્રવાસીઓનું સુવ્યવસ્થિત સંચાલન અને ટકાઉ વિકાસ આધારિત ગંતવ્ય વિકાસ અભિગમોને રજૂ કરવામાં આવ્યા હતા.
દિવસ દરમિયાન યોજાયેલા તકનીકી સત્રોમાં પ્રસ્તાવિત રાષ્ટ્રીય એડવેન્ચર ટુરિઝમ ફ્રેમવર્ક, પ્રવાસન ક્ષેત્રમાં વ્યવસાય સુગમતા, શહેર સ્તરીય MICE પ્રમોશન બ્યુરો માર્ગદર્શિકા તેમજ “ઇન્ક્રેડિબલ ઇન્ડિયા” ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા મારફતે પ્રવાસન માર્કેટિંગ અને પ્રચાર માટે રાજ્યો વચ્ચેના સહકારને મજબૂત બનાવવા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યશાળાના ભાગરૂપે કેટલાક રાજ્યો દ્વારા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રવાસન સ્થળોના વિકાસ અંગે પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, કેરળ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુ દ્વારા ગંતવ્ય આધારિત વ્યૂહરચનાઓ, પ્રવાસન આધારભૂત સુવિધાઓના વિકાસ તથા ટકાઉ પ્રવાસન અભિગમોને ઉજાગર કરતી રજૂઆતો કરવામાં આવી હતી.




