કિમ જોંગ મરશે તો દુશ્મન દેશો પર ઓટોમેટિક થશે પરમાણુ હુમલા

રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન યુદ્ધના આકરા પરિણામો ભોગવી રહેલી દુનિયા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને તાજેતરમાં દેશના બંધારણમાં એક ચોંકાવનારો ફેરફાર કર્યો છે. તેમણે ‘ડેડ મેન્સ સ્વિચ’ કહેવાતો એવો ફેરફાર કર્યો છે કે જો દુશ્મન દેશના હુમલામાં તેમનું મૃત્યુ થાય અને તેમની કમાન્ડ સિસ્ટમ નષ્ટ થઈ જાય તો ઉત્તર કોરિયાની મિસાઇલો ઓટોમેટિક એક્ટિવેટ થઈને દુશ્મન દેશો પર પરમાણુ હુમલો કરશે. ચાલો, સમજીએ કે આ ખતરનાક બંધારણીય સુધારા પાછળનું કારણ શું છે.
ઉત્તર કોરિયાએ તેના બંધારણમાં ઐતિહાસિક સુધારો કર્યો છે. 22 માર્ચે પ્યોંગયાંગમાં મળેલી 15મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીએ નવો નિયમ પસાર કર્યો અને તે એ છે કે, જો કિમ જોંગ ઉનની હત્યા થાય, વિદેશી હુમલામાં તેમની કમાન્ડ સિસ્ટમનો નાશ થાય, અથવા પરમાણુ દળો પરનું નિયંત્રણ જોખમમાં મુકાય તો સૈન્ય આપમેળે, તાત્કાલિક પરમાણુ હુમલો કરશે. આ માટે કોઈ અલગ આદેશની રાહ જોવાશે નહીં. ઉત્તર કોરિયામાં અગાઉ પણ આ નીતિ હતી જ, પરંતુ મૌખિક સ્વરૂપે હતી. હવે તે દેશના બંધારણમાં લેખિત સ્વરૂપે મજબૂતી પામી છે.
‘ડેડ મેન્સ સ્વિચ’ એટલે એવી ઓટોમેટિક વ્યવસ્થા કે જે તેને નિયંત્રિત કરનાર વ્યક્તિના મૃત્યુ, બેભાન થવા અથવા સંપર્ક તૂટતાં જ આપમેળે સક્રિય થઈ જાય છે. ઉદાહરણ તરીકે, જૂના જમાનાની ટ્રેનમાં ડ્રાઈવરે એક બટન અથવા લિવર દબાવીને રાખવું પડતું. જો ડ્રાઈવરને હાર્ટ એટેક આવે અને તે બટન છોડી દે, તો ટ્રેન આપમેળે બ્રેક લગાવીને અટકી જતી, જેથી અકસ્માત નિવારી શકાતો. આ હતી સુરક્ષા માટેની આવકારદાયક ‘ડેડ મેન્સ સ્વિચ’. પરંતુ, ઉત્તર કોરિયાના સંદર્ભમાં આ ‘ડેડ મેન્સ સ્વિચ’ ભયાનક જણાય છે, કેમ કે જો કિમ જોંગ ઉન ‘ડેડ’ થાય તો તેમની ‘સ્વિચ’ છે સર્વનાશી પરમાણુ હુમલો!
અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલી ખામેનેઈ અને તેમના સલાહકારોને જે ઝડપે નિશાન બનાવ્યા, એ જોઈને કિમ જોંગ ઉન અને તેમની સરકાર ગભરાઈ ગઈ. ચેતવણી સમાન આ ઘટનામાંથી ઉત્તર કોરિયા સમજ્યું કે નેતૃત્વને ખતમ કરી દેવાથી સમગ્ર દેશ પડી ભાંગે છે. તેથી, કિમ જોંગે પાણી પહેલાં પાળ બાંધતા હોય એ રીતે આ બંધારણીય સુધારો કર્યો છે, જેથી દુશ્મન દેશ એમના પર હુમલો કરતાં પહેલાં બે વાર વિચારે. હવે કિમની હત્યા કરવાનો અર્થ છે દુનિયાને આપોઆપ પરમાણુ યુદ્ધમાં ધકેલવી.
કિમ જોંગ ઉનની હત્યા કરવી ખૂબ મુશ્કેલ છે, કેમ કે તેઓ હંમેશાં કડક સુરક્ષામાં રહે છે, હવાઈ મુસાફરી ટાળે છે અને મોટેભાગે બખ્તરબંધ ટ્રેનમાં જ મુસાફરી કરે છે. ઉત્તર કોરિયાની સરહદો સંપૂર્ણ બંધ છે. વિદેશીઓને ભાગ્યે જ પ્રવેશ મળે છે, અને જે વિદેશી ત્યાં ફરવા જાય પણ છે એણે ખૂબ બધા નિયમો પાળવા પડે છે, એના પર ચાંપતી નજર રાખવામાં આવે છે. રાજધાની પ્યોંગયાંગમાં CCTV અને ઈન્ટરનેટની પહોંચ મર્યાદિત છે, જેથી ઈરાનની જેમ ટ્રાફિક કેમેરા હેક કરવા અશક્ય છે. છતાં, ઉત્તર કોરિયાને ડર છે કે દુશ્મન દેશો તેમના સેટેલાઈટ દ્વારા કિમ જોંગ ઉનની હિલચાલ અને કમાન્ડ સિસ્ટમ પર નજર રાખે છે, જેથી કોઈ પણ ક્ષણે સચોટ હુમલો કરી શકે. આ ઉપરાંત, સાયબર ગુપ્તચર, ડ્રોન અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ જેવી અદ્યતન તકનીકોથી તેમની સુરક્ષા ભેદી શકાય તેવી આશંકા પણ તેમને સતત સતર્ક રાખે છે.
કિમ જોંગ ઉને તાજેતરમાં એક શસ્ત્ર ફેક્ટરીની મુલાકાત લઈને 155-mmની સ્વ-સંચાલિત ‘હોવિત્ઝર’ (એક પ્રકારની ‘તોપ’)નું પરીક્ષણ કર્યું, જેની રેન્જ 60 કિમીથી વધુ છે, એટલે કે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ અને તેની આસપાસના વિસ્તારો તેની પ્રહાર-સીમામાં આવી જાય છે. ઉત્તર કોરિયાનો મુખ્ય દુશ્મન દક્ષિણ કોરિયા જ છે. સરહદે નવા શસ્ત્રની તૈનાતી અને બંધારણમાં કરાયેલા બદલાવને પરિણામે બંને દેશ વચ્ચે તણાવ વધશે.
‘હું મરીશ, તો સર્વનાશ કરીશ’— પ્રકારનો આ સુધારો આખી દુનિયા માટે લાલબત્તી સમાન છે. દાયકાઓથી ચીન ઉત્તર કોરિયાની અને અમેરિકા દક્ષિણ કોરિયાની પડખે ઊભા છે. તેથી જો અમેરિકા જેવું અમેરિકા પણ કિમ જોંગ સામે કોઈ અટકચાળો કરવા જાય તો ઉત્તર કોરિયા દ્વારા છેડાયેલું ઓટોમેટિક પરમાણુ યુદ્ધ આખી દુનિયાને ભારે પડે એમ છે. પરમાણુ શસ્ત્રો અને અસ્થિર નેતૃત્વનો સંગમ કેટલો ખતરનાક બની શકે, એનું આ તાજું ઉદાહરણ.




