થરાદમાં અધિક કલેક્ટર તુષાર જાનીનો ફરી વિવાદ!મીડિયાકર્મીઓનું જાહેરમાં અપમાન, કવરેજ રોકતાં ઉઠ્યા સવાલો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ ખાતે અધિક કલેક્ટર તુષાર જાની ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા હોવાનું સામે આવ્યું છે. આવેદનપત્ર સ્વીકારવા કચેરી બહાર આવેલા અધિક કલેક્ટરે મીડિયા કર્મીઓ ફોટો અને વિડિઓ કવરેજ કરતા હતા ત્યારે તેમને રોક્યા હોવાના આક્ષેપો થયા છે.
મીડિયા કર્મીઓએ પોતાની ઓળખ આપી કે તેઓ સમાચાર માધ્યમ સાથે જોડાયેલા છે, ત્યારે અધિક કલેક્ટરે “તમે મીડિયા નહીં, ખેડૂત છો” જેવી ટિપ્પણી કરી હોવાનું જણાવાયું છે. આ વર્તનથી હાજર પત્રકારોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
સ્થાનિક મીડિયાકર્મીઓએ આ ઘટનાને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમાચાર કવરેજમાં અડચણ ગણાવી છે. સરકારી અધિકારી દ્વારા જાહેર સ્થળે મીડિયા સાથે આ પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે.
આ ઘટના બાદ થરાદ વિસ્તારમાં અધિક કલેક્ટરના વર્તન સામે અસંતોષનો માહોલ સર્જાયો છે અને જવાબદાર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે.





